જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામના શખ્સે તેની પ્રેમિકાના ફોટા વેબસાઈટ પર વાયરલ કરી બદનામી કર્યાના બનાવમાં સાયબર ક્રાઈમે ગણતરીના કલાકોમાં જ શખ્સને દબોચી લઇ આગળની તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરમાં રહેતી યુવતીને બે વર્ષ પહેલાં ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં રહેતાં ચિરાગ અશોક કારા મકવાણા નામના શખ્સ સાથે પરિચય થયા બાદ પ્રેમ સંબંધ થયો હતો અને ત્યારબાદ બંને ફોન પર અવાર-નવાર વાતો કરી રૂબરૂ મળતા હતાં. ઉપરાંત ચિરાગે યુવતીને લગ્ન કરવાનું કહી વિશ્વાસમાં લઇ શરીર સંબંધ બાંધી અંગતપળોના અશ્લીલ ફોટાઓ પાડી લીધા હતાં. જે ફોટા ચિરાગે વેબસાઈટ ઉપર વાયરલ કરી દીધા હતાં અને યુવતીને સમાજમાં બદનામ કરી દીધી હતી. આ અંગેની યુવતી દ્વારા કરાયેલી ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આઈ.એ.ધાસુરા તથા હેકો પ્રણવભાઈ વસરા અને પોકો વીકીભાઈ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા વિશેષ ટીમ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થયાના ફોટાનું ટેકનિકલ એનાલિસીસ કરી માહિતી એકઠી કરી જેના આધારે આરોપી ચિરાગનું લોકેશન રાજકોટ જિલ્લાના પડધરીનું જણાતા પોલીસે સતત વોચ રાખી ચિરાગ મકવાણાની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હતી.