કાલાવડ તાલુકાના રણુજા ગામમાં યોજાયેલા મેળામાંથી પરત ફરી રહેલા દંપતી અને તેના પુત્રને પૂરઝડપે આવતી સ્વીફટ કારે ઠોકરે ચડાવતા પતિ અને પુત્રની નજર સમક્ષ મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતા અને પુત્રને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં સામજીભાઈ ઓધવજીભાઈ બાંભવા યુવાન ગત શનિવારે રાત્રિના સમયે તેની પત્ની ભાનુબેન અને પુત્ર દક્ષ સાથે કાલાવડ તાલુકાના રણુજામાં યોજાયેલા મેળામાંથી પરત ફરતા હતાં તે દરમિયાન જીજે-03-એલપી-7307 નંબરની બાઈકના ટાયરમાં પંચર પડતા સામજીભાઇ તેની પત્ની અને પુત્ર બાઇકને દોરીને લઇ જતાં હતાં ત્યારે નિકાવાથી આણંદપર તરફ જવાના ધોરીમાર્ગ પર પહોંચ્યા ત્યારે પેટ્રોલ પંપ પાસે પાછળથી પૂરપાટ આવી રહેલું જીજે-10-ડીજે-1173 નંબરની સ્વીફટ કારના ચાલકે દંપતી અને તેના પુત્રને હડફેટે લઇ ઠોકરે ચડાવતા પતિ-પત્ની અને બાળક ત્રણેય રોડ પર પટકાયા હતાં જેમાં પત્ની ભાનુબેનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પતિ સામજીભાઈ અને પુત્ર દક્ષને શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ચાલક કાર મૂકીને નાશી ગયો હતો.
ત્યારબાદ બનાવની જાણ સામજીભાઈ દ્વારા કરાતા એએસઆઈ આર.વી. ગોહિલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત પિતા તથા પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે ભાનુબેનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.