જામનગર શહેરમાં સગીર બાળકને માર મારવાના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે જામનગર પોલીસની આકરી ટીકા કરી હતી અને સરકાર સામે વેધક સવાલો કર્યા હતાં. પોલીસએ ઉદાહરણ પ્રસ્થાપિત કરવું જોઇએ કે પોલીસ તેમના કર્મચારીઓ સામે પણ પગલાં લેતા ખચકાતી નથી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં બી ડિવીઝન પોલીસમથકમાં ધોરણ-8માં અભ્યાસ કરતાં એક સગીરના પરિવાર સહિત 15 જણાં સામે માર્ચ મહિનામાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જોરથી હોર્ન વગાડવા બાબતે બે પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક પક્ષે બીજા પર હથિયારો વડે હુમલો કર્યાનો અને કેટલાક વ્યકિતઓને ઈજા પહોંચાડયાનો આરોપ હતો. આ કેસમાં પોલીસે સગીરના પિતાની ધરપકડ કરી હતી અને સગીરને જુવેનાઈલ આરોપી – બનાવાયો હતો. આ કેસમાં સગીરને તેની માતા સાથે પોલીસ સ્ટેશન બોલાવાયો હતો અને બાદમાં તેને જુદા રૂમમાં લઇ જઈ માર મરાયો હતો. ભારે ઈજાઓ થતાં તેને જામનગરની હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને આ મામલે પોલીસ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી નહી થતાં આખરે હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી.
હાઈકોર્ટે જામનગર પોલીસનો ઉધડો લેતાં જણાવ્યું કે, પોલીસ ખૂંખાર અપરાધીઓ સામે બળ વાપરે તે બરોબર છે પરંતુ 14 વર્ષના છોકરાને મારી શકાય નહી. તેની પર પોલીસ દ્વારા અત્યાચાર થયો છે. આવતીકાલે તમારા બાળક સાથે પણ આવુ થશે તો..પોલીસ દ્વારા અત્યાચાર અંગેની રોજ કોર્ટ સમક્ષ ફરિયાદો આવતી હોય છે. પોલીસ વિરૂધ્ધના આક્ષેપોને લઈ સીસીટીવીના મુદ્દાને હાઇકોર્ટે માર્મિક ટકોર કરી હતી કે, પોલીસ વિરૂધ્ધ જયારે પણ આક્ષેપ હોય ત્યારે પોલીસ સ્ટેશનના સીસીટીવી મળતા હોતા નથી. હાઈકોર્ટે પોલીસના અત્યાચારી વલણને લઈ સરકારપક્ષનો ખુલાસો માંગી વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી.