જામનગર શહેરના વાહનચાલકો દ્વારા અવાર-નવાર ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરવાની તથા ત્રણ સવારી તેમજ વન-વે માં વાહનો ચલાવવા સહિતના નિયમના ભંગ સંદર્ભે વર્ષ 2021 થી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા ઈ-મેમો ચલણ ફટકારવામાં આવ્યા હતા. જે પૈકીના અમુક વાહનચાલકો દ્વારા આ ચલણ ભરવામાં બેદરકારી દાખવતા અદાલત દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
જામનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને જુદી-જુદી કલમો હેઠળ ઈ-મેમો (ચલણ) ફટકારવામાં આવે છે. પરંતુ આ ચલણ ભરવામાં પણ ઘણાં લોકો અત્યંત બેદરકારી રહેતાં હોય છે. જામનગર શહેરમાં 355 સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા ઈ-મેમો (ચલણ) ફટકારવામાં આવતા હોય છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેજા હેઠળ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા શહેરના માર્ગો પર ત્રણસવારી, ચાલુ વાહને મોબાઇલફોન પર વાત કરવી, રોંગસાઈડમાં વાહન ચલાવવું, શીટ બેલ્ટ ન બાંધવા જેવા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ઈ-મેમો દ્વારા દંડ ફટકારવામાં આવે છે. વર્ષ 2021 થી ફટકારવામાં આવતા ઈ-મેમો દંડ ભરપાઈ કરવામાં જાગૃત નાગરિકો હંમેશા એલર્ટ રહી ઈ-મેમો દંડ તાત્કાલિક ભરી દેતા હોય છે.
જ્યારે વર્ષ 2021 થી પોલીસ દ્વારા ઈશ્યૂ કરાયેલા ઈમેમોના દંડ ભરવામાં બેદરકાર 3627 વાહનચાલકોએ આજ દિવસ સુધી ઈ-મેમોના દંડ ભર્યા નથી. આવા બેદરકાર લોકો માટે આગામી તા.14 સપ્ટેમ્બરના રોજ યોજાનારી લોક અદાલતમાં અથવા તો તે પહેલાં ઈ-મેમો દંડ ભરી દેવા નોટિસ ફટકારી તાકીદ કરવામાં આવી હોવાનું શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા જણાવાયું હતું.