જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં યુવાને તેના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા શખ્સે તેના પિતા સાથે આવી લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગરમાં અયોધ્યાનગર શેરી નં.13 માં રહેતાં રમેશભાઈ કાનાભાઈ ઓડીચ (ઉ.વ.37) નામનો યુવાન તેના ઘર પાસે હતો તે દરમિયાન મધ્યરાત્રિના સમયે રવિરાજસિંહ જાડેજા નામનો શખ્સ ઘર પાસે ફોનમાં જોરજોરથી ગાળો બોલતો હતો. જેથી રમેશે ઘરથી થોડે દૂર જવાનું કહેતાં ઉશ્કેરાયેલા રવિરાજસિંહ જાડેજા એ તેના પિતા કિરીટસિંહ જાડેજાને સાથે લઇ આવી રમેશને બહાર બોલાવી લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા રમેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એન.પી. જોશી તથા સ્ટાફે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.