જામનગર શહેરના નાગેશ્વર કોલોનીમાં બે ભાઈઓ તેના ઘર પાસે બેઠા હતાં તે દરમિયાન બાઈક અથડાવાની બાબતે બે શખ્સોએ ગાળાગાળી કરી ત્યારબાદ બે યુવાનો ઉપર પથ્થર વડે અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નાગેશ્વરપાર્ક શેરી નં.1 માં રહેતાં જશવંત જયંતી બારીયા અને તેનો ભાઈ મેહુલ બંને રવિવારે સાંજના સમયે તેના ઘર પાસે બેઠા હતાં તે દરમિયાન બાઈક પર નિકળેલા જયદીપ રમેશ સોલંકી એ તેનું બાઇક જશવંતના બાઈક સાથે અથડાતા જયદીપે મેહુલ સાથે ગાળાગાળી કરી ચાલ્યો ગયો હતો ત્યારબાદ રાત્રિના એક વાગ્યે જશવંત અને તેનો મિત્ર ઉમંગ ભરત ડોસાણી બંને નાગેશ્વર કોલોનીમાં બેઠા હતાં ત્યારે જયદીપ રમેશ સોલંકી અને મિલન વિનોદ બાંભણિયા નામના બે શખ્સોએ આવીને તે ગાળાગાળી કેમ કરી હતી ? તેમ કહી ઉમંગને ઢીકાપાટુનો માર મારી જશવંત ઉપર પથ્થરના ઘા ઝીંકયા હતાં. બંને મિત્રોને ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ અંગેની જાણના આધારે પીએસઆઈ એચ.બી. વડાવીયા તથા સ્ટાફે જશવંતના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ હુમલો કરી ધમકી આપ્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.