જામનગર શહેરના નંદનવન પાર્કમાં રહેતાં નિવૃત્ત આર્મીમેન તેના પરિવાર સાથે દાદાની અંતિમ ક્રિયા માટે ઉત્તર પ્રદેશ તેમના વતનમાં ગયા હતા તે દરમિયાન પાંચ દિવસ બંધ રહેલા મકાનને અજાણ્યા તસ્કરોએ લાઈસન્સવાળી રિવોલ્વર અને બે મેગેઝીન તથા 30 રાઉન્ડ અને 13.68 લાખની રોકડ સહિત 18.56 લાખની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસમાં આરંભી હતી.
ચોરીના બનાવ જામનગર શહેર અને જિલ્લામાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લાં થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં માતબર રકમની માલમતાની ચોરી થતી હોવાનું પોલીસ ચોપડે નોંધાય છે. એક પછી એક થતી ચોરીના બનાવોથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા નંદનવન પાર્ક સોસાયટીમાં ફલેટ નંબર 73/3 માં રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના તિઘરા ગામના વતની અને હાલ નિવૃત્ત આર્મીમેન રણવીરપ્રતાપ સુધાકરભાઈ ખીમસીંગ (ઉ.વ.49) નામના યુવાન ગત તા.29 થી તા.3 મે સુધી ઉત્તરપ્રદેશમાં તેના વતનમાં દાદાની અંતિમ ક્રિયા માટે ગયા હતાં તે દરમિયાન પાછળથી પાંચ દિવસ બંધ રહેલા મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું અને મકાનના રસોડાની લોખંડની ગ્રીલ કાપીને અંદર પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી ઓલ ઈન્ડીયા લાયસન્સવાળી 0.32 પિસ્ટલ 07543 વાળી અને LN15291A7BC9C18 લાયસન્સ નંબરવાળી રૂ.50 હજારની કિંમતની પિસ્ટલ અને રૂ.1800 ની કિંમતના બે મેગેઝીન તથા 30 રાઉન્ડ તેમજ રૂા.13,68,000 ની રોકડ રકમ અને રૂા. 1.35 લાખના કિંમતના સોનાના ઘરેણાં તેમજ રૂા. 3,01,500 ની વસ્તુઓ મળી કુલ રૂા. 18,56,300 ની માલમતા ચોરી કરી ગયા હતા. દાદાની ક્રિયા પતાવીને જામનગર પરત ફરેલા નિવૃત્ત આર્મીમેનના પરિવારે મકાનમાં સામાન અસ્તવ્યસ્ત અને રોકડ રકમ તથા દાગીનાની ચોરી થઈ હોવાનું જણાતા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ વી.બી.બરસબીયા તથા સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસ શરૂ કર્યા હતાં.