જામનગર શહેરમાં આવેલી કંપની દ્વારા રોકાણકારોને માસિક સારા વળતરની લાલચ આપી કરોડોનું ફૂલેકુ ફેરવી જનાર કંપનીના સીઇઓ સહિત ચાર શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ દરમિયાન એક શખ્સની ધરપકડ કરી ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવી અન્ય શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પી એન માર્ગ પર આવેલા ન્યુ એન્ટલાન્ટીક બિલ્ડિંગમાં 412 નંબરની ઓફિસમાં આવેલી ક્રેડીટ બુલ્સ કંપની દ્વારા જુદી જુદી સ્કીમોમાં નાણાંનું રોકાણ કરી તેના પર વળતર આપવાની લાલચ આપતા હતાં અને નાના નાના રોકાણકારો પાસે રોકાણ કરાવતા હતાં. જામનગરના જ ખોડિયાર કોલોનીમાં રહેતાં કેયુર વિજયભાઈ સુરેલિયા નામના વેપારી યુવાન દ્વારા આ કંપનીની સ્કીમમાં આવી જઈ વિશ્ર્વાસ રાખી બે વર્ષ અગાઉ પાંચ લાખનું રોકાણ કર્યુ હતું. કેયુરભાઈ સહિતના અનેક લોકોએ કંપનીની સ્કીમમાં રોકાણ કર્યુ હતું. જો કે બે વર્ષના સમય દરમિયાન માસિક વળતર ન મળતા રોકાણકારોને છેતરાયા હોવાની આશંકા જતા કંપનીમાં અવાર-નવાર રજૂઆત કરવા છતાં રોકેલા નાણાંનું વળતર મળ્યું ન હતું. જેના કારણે થાકીને રોકાણકારે ક્રેડીટ બુલ્સ કંપનીના સીઈઓ અને ફાઉન્ડર ધવલ દિનેશ સોલાણી, પાર્ટનર ફરજાન ઈરફાન અહેમદ શેખ (મુંબઇ), કંપનીના હ્યુમન રીસોર્સીસ રીજનલ યશ દિનેશ સોલાણી, રીઝનલ હેડ પંકજ પ્રવિણ વડગામા નામના ચાર શખ્સોએ એક સંપ કરી ગુનાહિત કાવતરુ રચી રોકાણકારોના રૂપિયા અને વળતર પરત આપવાના બદલે અંગત ઉપયોગ માટે ઉપાડી લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે કંપનીના સીઈઓ અને મુંબઇના પાર્ટનર સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. પોલીસે તપાસ દરમિયાન રિઝનલ હેડ પંકજ વડગામા નામના શખ્સની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ કરાતાં ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં. જેના આધારે પોલીસે અન્ય ત્રણ સાગ્રિતોની શોધખોળ માટે પૂછપરછ આરંભી હતી. ઉપરાંત તપાસ દરમિયાન આ કંપનીમાં 37 જેટલા રોકાણકારોએ પોતાના પરશેવાની કમાણીનું રોકાણ કર્યું હતું. જો કે, કંપની દ્વારા કેટલા કરોડનું ફૂલેકુ ફેરવી દેવાયું છે તે આંકડો બાકીના શખ્સોની ધરપકડ બાદ ખુલે તેવી શકયતા છે.