નાગરિકતા સંશોધન કાયદો 2019 વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ 200થી વધુ અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડે આદેશ આપ્યો કે, ’કેન્દ્ર સરકારે જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે. પરંતુ કોર્ટે તેમને ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે.’ કોર્ટ આ કેસની સુનાવણી નવમી એપ્રિલે કરશે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજીઓનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે કુલ 237 અરજીઓ છે. સ્ટે માટે 20 અરજીઓ આવી છે. મને જવાબ આપવા માટે સમય જોઈએ છે. તેમણે કહ્યું કે ’સીએએ લાગુ થવાથી કોઈ પણ વ્યક્તિ તેમની નાગરિકતા ગુમાવશે નહીં. આ અંગે અરજદારોના મનમાં પૂર્વગ્રહ ઊભો કરવામાં આવ્યો છે.’
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે, ’કેન્દ્રને ઓછામાં ઓછા ચાર અઠવાડિયાનો સમય જોઈએ છે.’ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ મામલે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ’સ્ટે અરજીઓનો જવાબ આપવા માટે આ સમય ઘણો વધારે છે. જો નાગરિકતા અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો તેને પાછી લઈ શકાય નહીં. અમે અત્યાર સુધી રાહ જોઈ છે, તો અમે જુલાઈમાં કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી રાહ જોઈ શકીએ છીએ. આખરે ઉતાવળ શાની છે?’
આ કાયદો પાંચ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2019માં મંજૂર થયો હતો, પરંતુ આજે માં તે લાગુ થયો છે. વિરોધ પક્ષોએ આ મુદ્દે ખુબ જ વિરોધ નોંધાવ્યો હતો અને કડક વલણ પણ જોવા મળ્યું હતું. આ કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતાની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે.
આ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર બનેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ભારત દેશના નાગરિક કોણ છે તેની પરિભાષા 1955માં એક કાયદો બનાવીને કરવામાં આવી જેને નાગરિકતા અધિનિયમ 1955 નામ અપાયું. મોદી સરકારે આ કાયદામાં સંશોધન કર્યું છે. જેને નાગરિકતા સંશોધન બિલ 2016 નામ આપવામાં આવ્યું છે. સંશોધન બાદ દેશમાં છ વર્ષ રહેતા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના છ ધર્મના (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ) લોકોને કોઈ જરૂરી દસ્તાવેજ વગર ભારતીય નાગરિકતા આપવામાં આવશે. પહેલા નાગરિકતા અધિનિયમ 1955 પ્રમાણે જરૂરી દસ્તાવેજ હોય તો જ આ દેશના લોકોને 12 વર્ષ પછી નાગરિકતા મળી શકતી હતી. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ત્રણેય ઈસ્લામિક દેશ છે અને ત્યાં હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન, ઈસાઈ અને પારસી ધર્મના લોકો અલ્પસંખ્યક છે. નવા કાયદા હેઠળ 31મી ડિસેમ્બર, 2014 સુધી પાડોશી ત્રણેય દેશોથી ઉત્પીડનનો શિકાર થઈને આવેલા લોકોને ભારતની નાગરિકતા મળી શકશે.પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી મોટી સંખ્યામાં લોકો દાયકાઓથી પલાયન કરીને ભારત આવતા રહે છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં આ લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ લાખોની આ વસ્તીની પાસે ભારતની નાગરિકતા નથી. જેને લઈને તેમને મૂળભૂત સુવિધા નથી મળી શકતી. તેવામાં આ કાયદો લાગુ થતા શરણાર્થીઓને નાગરિકતા મળશે તો મત આપવા સહિત તમામ વસ્તુઓની સુવિધા તેમને મળશે.