ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાના નિર્દેશ મુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિ દ્વારા તત્કાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે 928 પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે.
જિલ્લામાં જાહેર મિલકતો પરથી 133 વોલ રાયટિંગ, 461 પોસ્ટર, 169 બેનર અને અન્ય 33 એમ કુલ 796 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જ્યારે ખાનગી મિલકતો પરથી 64 વોલ રાયટિંગ, 42 પોસ્ટર, 19 બેનર અને અન્ય 9 એમ કુલ 133 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. આમ, કુલ 928 પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.