વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે શ્રીનગરમાં દાલ સરોવરના કિનારે પહેલીવાર યોજવામાં આવેલી ફોર્મ્યુલા 4 કાર શો જોઈ ખૂબ આનંદ થયો અને તેનાથી જમ્મુ અને કાશ્મીરની પ્રાકૃતિક સુંદરતાને વૈશ્વિક લેવલે પ્રદર્શિત કરવામાં લાભ મળશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર MihirkJha નામના યુઝરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં આ વાત કરી હતી. યુઝરે પોતાના X હેન્ડલ પરથી કરવામાં આવેલી એક પોસ્ટમાં લખ્યું છે કે, ’મારું કાશ્મીર બદલાઈ રહ્યું છે’ – પીએમ મોદીએ કાશ્મીરને બદલી નાખ્યું છે! શ્રીનગરના દાલ સરોવરના કિનારે પહેલીવાર ફોર્મ્યુલા 4 કાર શો યોજાયો હતો! આ પોસ્ટની પ્રતિક્રિયા આપતાં પીએમ મોદીએ લખ્યું, ’આ જોઈને ખૂબ જ આનંદ થયો. આનાથી જમ્મુ અને કાશ્મીરની સુંદરતાને પ્રદર્શિત કરવામાં મદદ મળશે. ભારત મોટરસ્પોર્ટ્સને વિકસાવવા માટે મોટી તકો મળશે અને શ્રીનગર એવા સ્થળોમાં ટોપ પર છે, જ્યાં આવુ આયોજન થઈ શકે છે!’વડાપ્રધાને મોટરસ્પોર્ટ શોની તસવીરો પણ તેમના ડ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને જમ્મુ અને કાશ્મીરના યુવાના કરિયર માટે વિકલ્પો મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે પ્રવાસન વિભાગ અને ઈન્ડિયન રેસિંગ લીગે સાથે મળીને રવિવારે દાલ સરોવરના કિનારે ફોર્મ્યુલા 4 રેસિંગ ઈવેન્ટનું આયોજન કર્યુ હતું. 1.7 કિમી લાંબી ફોમ્ર્યુલા-4 કાર રેસ શ્રીનગરના દાલ સરોવરના કિનારે લલિત ઘાટથી નહેરુ પાર્ક સુધી યોજવામાં આવી હતી.અધિકારીઓએ આ કાર્યક્રમ માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. રેસિંગ માટે ઉપયોગમાં લેવામાં આવેલ રસ્તો સમતળ કરવામાં આવ્યો હતો, આ સાથે બેરિકેડ પણ લગાવવામાં આવ્યા હતા. અને આયોજન સ્થળ પર એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગડ અને પૂરતા પ્રમાણમાં મેડિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો.