જામનગર નજીક કાલાવડ બાયપાસ પાસે ગઈકાલે સાંજના સમયે એસ.ટી. બસ ચાલકે મોપેડ અને ડમ્પરને ઠોકરે ચડાવતા ત્રીપલ અકસ્માતમાં મોપેડ ચાલકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનવાની વિગત મુજબ, જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં રહેતા અશોકભાઈ ચાવડા (ઉ.વ.42) નામના યુવાન સોમવારે સાંજના સમયે તેના ટીવીએસ મોપેડ ઉપર પિતળનો સામાન લઇને જતા હતાં તે દરમિયાન કાલાવડ બાયપાસ નજીક પૂરપાટ આવી રહેલી જીજે-18-ઝેડટી-0534 નંબરની એસટી બસના ચાલકે મોપેડ સવારને ઠોકરે ચડાવી આગળ જતા ડમ્પર સાથે અથડાતા ત્રીપલ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અશોકભાઈને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર જય ચાવડા દ્વારા જાણ કરાતા પ્રો. આઈપીએસ અજયકુમાર મીણા તથા પંચ બી પોલીસ સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પુત્રના નિવેદનના આધારે એસ.ટી. બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.