કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રાકેશભાઈ લાખાભાઈ સોલંકી નામના 44 વર્ષના કોળી યુવાન લગ્ન પ્રસંગમાં કોળી સમાજની વાડીએ જમવા ગયા હતા. જમીને પરત ફર્યા બાદ પોતાનું મોટરસાયકલ લેવા જતા અહીં રહી રહેલા ભરત ઉર્ફે મુન્ના મોહન જમોડ, રાકેશ મોહન જમોડ, રાહુલ વજશી જમોડ અને કિશોર સાજણ જમોડ નામના શખ્સો તેમની પાછળ ઉભા હતા અને ફરિયાદી રાકેશે “પાછળ કેમ ઊભા છો?” તેમ કહેતા આરોપીઓએ તેમને “અહીં ક્યાં તારા બાપનું છે?” તેમ કહ્યું હતું. તેના જવાબમાં રાકેશે “તે તમારા બાપનું પણ નથી”- તેમ કહેતા મામલો બિચક્યો હતો અને આરોપીઓએ રાકેશ સોલંકીને બિભત્સ ગાળો ભાંડી હતી.
ગાળો કાઢવાની ના કહેતા આરોપીઓએ રાકેશને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી દીધી હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.