દ્વારકામાં જુની નગરપાલિકા વિસ્તારમાં રહેતી મીનાક્ષીબેન જેન્તીભાઈ તાવડીવાલા નામની 32 વર્ષની અપરિણીત યુવતીએ અન્ય એક આસામી માલદેભાઈની પુત્રી સાથે મળીને ભાગીદારીમાં ગોમતીઘાટ વિસ્તારમાં ચા-પાણીની દુકાન રાખી હતી. અહીં કામ-ધંધો કરતી વખતે આ જ વિસ્તારમાં રહેતા ધર્મેશ વેજાભાઈ શુક્લ નામના શખ્સએ અહીં આવીને સિગરેટ ઉધાર લેતા આ શખ્સ પાસેથી મીનાક્ષીબેને સિગારેટના પૈસાની માંગણી કરી હતી. જેથી ઉશ્કેરાયેલા આરોપી ધર્મેશ શુક્લએ તેણીને બિભત્સ ગાળો કાઢી, નિર્લજ્જ હુમલો કરી, ઝપાઝપી કરી હતી. ઉપરાંત અન્ય સાહેદ માલદેભાઈ પાંડાવદરા તેઓ વચ્ચે પડતા તેમને પણ ઢીકા-પાટુનો માર મારી, પથ્થર મારવાની કોશિશ કરી હતી. આમ, આરોપી દ્વારા મીનાક્ષીબેન તાવડીવાલા તથા સાહેદ માલદેભાઈ પાંડાવદરાને ઇજાઓ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે આઈપીસી કલમ 354 (બી), 323, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આગળ કાર્યવાહી કરી હતી.