જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર પ્રણામી ટાઉનશીપ પાસે રહેતા યુવકને તેના ઘર પાસેથી બાઇક ચાલકે ઠોકર મારતા ગાડી ચલાવવાનો ઠપકો આપવા જતા બે શખ્સે ગાળો કાઢી, કડા વડે માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા પ્રણામી ટાઉનશીપ-1, શેરી નં.2માં રહેતા સંજય ધીરેનભાઇ ધંધુકિયા (ઉ.વ.20) નામનો યુવક મંગળવારે બપોરના સમયે તેના ઘરની પાસેથી જતો હતો તે દરમ્યાન પૂરઝડપે આવી રહેલા એકસેસ ચાલકે યુવકને ઠોકર મારી પછાડી દીધો હતો. જેથી યુવકે એકસેસ ચાલકને ગાડી આમ ચલાવાય? તેમ કહેતા હિતેષ જોઇશર અને રવિ જોઇશર નામના બે શખ્સોએ યુવકને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ હાથમાં પહેરેલા કડા વડે માથામાં ઇજા પહોંચાડી હતી. એક તો એકટીવાથી ઠોકર મારી અને પછી માર માર્યાના બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ ટી.ડી.બુડાસણા તથા સ્ટાફે સંજયના નિવેદનના આધારે એકસેસ ચાલક બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.