જામનગર શહેરમાં પૂરા થતા વર્ષનાં અંતિમ દિવસે પોલીસે દારૂ ઉપર ઘોંસ બોલાવી વ્યાપક દરોડા પાડયા હતાં. તેમાં લાલપુર તાલુકાના હરીપર ગામમાં રહેણાંક મકાનમાંથી સ્થાનિક પોલીસે છ હજારની કિંમતની 12 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સાત બોટલ દારૂ સાથે શખ્સને દબોચી લીધો હતો. જામનગરના સીક્કા ગામમાંથી શખ્સને દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે દારૂની બોટલ સાથે બે શખ્સને દબોચી લીધા હતાં. જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાંથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે દારૂની ત્રણ નાની બોટલો સાથે શખ્સને ઝડપી લીધો હતો.
31 ડિસેમ્બરે પૂરા થતા વર્ષ અને નવા શરૂ થતા વર્ષની ઉજવણી અંતર્ગત જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા કડક ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ દરોડો લાલપુર તાલુકાના હરીપર ગામમાં રહેતાં બાવજી જુસબ ગડણ નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.6000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 12 બોટલ મળી આવતા પોલીસે બાવજીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો લાલપુર તાલુકાના મોટી વેરાવળના વાડી વિસ્તારમાં રહેતાં કરશન ઉર્ફે કમલેશ ખીમા ગાગલિયા પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર રોડ પરથી પસાર થતા જીજે-10-સીડી-9521 નંબરના એકટીવાચાલક નાથા કાના મારૂ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.3500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની સાત બોટલો મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામમાંથી પસાર થતા કરણસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના શખ્સને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના બસ સ્ટેન્ડ પાસેથી જીજે-10-ડીએસ-1418 નંબરની બાઈક પર પસાર થતા દિનેશ દુર્લભજી ડાંગર અને ધર્મેશ મુકેશ પિત્રોડા નામના બે શખ્સોનેં આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની દારૂની બોટલ અને રૂા.10,000નું બાઈક મળી કુલ રૂા.10500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
પાંચમો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી નહેરૂનગર વિસ્તારમાં રહેતાં ભાવિન મહેશ રાઠોડ નામના શખ્સના મકાનમાંથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા. 324 ની કિંમતની ઈંગ્લીશ દારૂની નાની ત્રણ બોટલ મળી આવતા પોલીસે ભાવિનની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.