ભગવાન શ્રી રામની પવિત્ર ભૂમિ અયોધ્યા ખાતે તાજેતરમાં સરકાર દ્વારા કલા સંસ્કૃતિ મહાકુંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ આયોજનમાં સમગ્ર ભારત સાથે વિશ્ર્વના જુદા-જુદા ભાગોમાંથી વિવિધ કલાક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા લોકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
જાણીતા કવિઓ, લેખકો, સંગીતકારો, નૃત્યકારો, ગાયક, શિલ્પી, ચિત્રકાર, વિજ્ઞાન, પર્યાવરણ વિગેરે મળી 125 જેટલા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા આર્ટિસ્ટોનું અદકેરૂં સન્માન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના એવા કેનેડી ગામના જાણીતા ચિત્રકાર અરવિંદભાઈ ડી. ખાણધરને પણ અંગવસ્ત્ર, મેડલ અને ટ્રોફી આપી અને અયોધ્યા કલા રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેનેડીના ચિત્રકાર અરવિંદભાઈ દ્વારા બનાવવામાં આવેલા “સર્યુઘાટ પાસે રામ વનવાસ” વોલ પેઇન્ટિંગ જોઈ, ઉપસ્થિત સૌ કોઈએ આ કલાને બિરદાવી હતી.
આ આયોજનમાં ખાસ ઉપસ્થિત રહેલા પદ્મશ્રી ડોક્ટર શ્યામ બિહારી અગ્રવાલ (દિલ્હી લલિત કલા એકેડેમી), રાકેશ ગોસ્વામી (દિલ્હી કલા વિવેચક), રણજીત યાદવ (યુ.પી. પોલીસ વડા), રિદ્ધિ ચૌધરી (મિસ ઈન્ડિયા, નેપાળી અભિનેત્રી), સાગર પ્રજાપતિ (કલા અધ્યક્ષ)ની ખાસ ઉપથિતિમાં અરવિંદભાઈ ખાણધરનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અનેરી સિદ્ધિ બદલ અરવિંદભાઈ ખાણધરે સમગ્ર ગુજરાતનું નામ દેશ કક્ષાએ રોશન કર્યું છે. આ પહેલા પણ અરવિંદભાઈએ એવોર્ડ-સન્માન પ્રાપ્ત કર્યા છે.