જામનગર તાલુકાના જીવાપર ગામની સીમમાં ખેતરની જમીનમાં આવેલા ગોડાઉનમાંથી અજાણ્યા તસ્કરોએ દરવાજો તોડી રૂા.87,500 ની કિંમતના 350 કિલો કોપર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતાં અને ખેતી કામ કરતા અલ્તાફ બોદુભાઈ પતાણી નામના યુવાનની જીવાપર ગામની સીમમાં આવેલા ખેતરના ગોડાઉનમાંથી ગત તા. 17 ના મધ્યરાત્રિથી તા.20 ના સવારે 11 વાગ્યા સુધીના સમયમાં અજાણ્યા તસ્કરોએ ગોડાઉનનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ગોડાઉનમાં રહેલાં રૂા.87,500 ની કિંમતનો 350 કિલોગ્રમા કોપર એસ કે ની ચોરી કરી લઇ ગયા હતાં. ત્યારબાદ ચોરીની જાણ થતા યુવાને પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઈ આર.ડી.રબારી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.