ઓખામાં રહેતો એક યુવાન બુધવારે દરિયામાં ગણપતિ વિસર્જન માટે ગયો હતો, ત્યારે ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ કરૂણ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ઓખા મંડળમાં નવીનગરી ખાતે રહેતા અમિતભાઈ નાથાલાલભાઈ ઝાલા નામના 37 વર્ષના ખારવા યુવાન બુધવારે સાંજના સમયે આ વિસ્તારમાં યોજાયેલા ગણપતિ વિસર્જનના કાર્યક્રમમાં તેમના શેઠ તથા મિત્ર વર્તુળ સાથે ગણપતિજીની મૂર્તિ લઈને વિસર્જન કરવા માટે ઓખા નજીકના ખોડીયાર મંદિર સામે દરિયામાં ગયા હતા. ત્યારે એકાએક અમિતભાઈ પાણીમાં ડૂબવા લાગ્યા હતા અને થોડી જ વારમાં તેઓ દરિયાના પાણીમાં ગરદ થઇ ગયા હતા.
આમ, ગણપતિ વિસર્જન કરવા ગયેલા યુવાનનું દરિયાના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ અશ્વિનભાઈ વશરામભાઈ તાવડીવાળા (ઉ.વ. 36, રહે. ઓખા) એ સ્થાનિક પોલીસને કરી છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.