દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સહિત કેટલાક વિસ્તારોમાં પવનચક્કી કંપની દ્વારા ખેડૂતોને પરેશાન કરવામાં આવતા હોવા અંગેની લેખિત રજૂઆત અહીંના મહિલા અગ્રણી તેમજ સેવાભાવી તબીબ દ્વારા ઉચ્ચકક્ષાએ કરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં 115 મેગા વોટ વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ સ્થાપવાની હાલ કામગીરી ચાલી રહી છે. તેના માળખાની જોડણી અંતર્ગત 33 કેવી વિજલાઈન નાખવાનું કામ જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહ્યું છે. તે માટેની જવાબદારી ખાનગી કંપનીને સોંપવામાં આવી છે.
આ કંપનીઓ દ્વારા ખેડૂતોને નિયમ મુજબનું વળતર ના આપવા તેમજ અગાઉ જાણ કર્યા વગર કામ ચાલુ કરવા, ઉભા પાકને નુકસાન પહોંચાડવા વિગેરે બાબતે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મંત્રી માલતીબેન કંડોરીયા તથા અહીંના વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા સેવાભાવી તબીબ ડોક્ટર પી.વી. કંડોરીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે એક ખેડૂતના ખેતરમાં આ મુદ્દે ઘર્ષણ થયું હોવાનું પણ જણાવાયું છે. આમ, ખેડૂતોને મળવાપાત્ર યોગ્ય વળતર મળે તેમજ નિયમ મુજબ કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ આ પત્રમાં કરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો નિયમિત મળતો હોવા અંગેની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેના અનુસંધાને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને અહીંના મહિલા અગ્રણી માલતીબેન કંડોરીયા તેમજ અગ્રણી તબીબ ડો. પી.વી. કંડોરીયા દ્વારા એક પત્ર પાઠવી અને ખેડૂતોને વીજ પુરવઠાના અભાવે થતી હાલાકી દૂર થાય અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત રીતે વીજ પુરવઠો મળે તેવી રજૂઆત કરી છે. આ પત્રની નકલ સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને વિગેરેને પણ મોકલવામાં આવી છે.