આજે વિશ્વ સિંહ દિવસ-2023ના રાજ્યભરમાં વિવિધ સ્વરુપે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થશે. ત્યારે આપણે સૌરાષ્ટ્રવાસીઓએ ગૌરવ લેવા જેવી વાત છે કે, ભારત દેશના ગૌરવસમા એશિયાઇ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસ ગુજરાત રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર છે. એશિયાઇ સિંહો સૌરાષ્ટ્ર વિસ્તારના ગિર જંગલ તેમજ ગિર આસપાસના અન્ય વિસ્તારોમાં જોવા મળે છે.
એશિયાઇ સિંહના સંરક્ષણ અને સંવર્ધનમાં સૌરાષ્ટ્ર વિસ્તારના સ્થાનિક લોકોનો પ્રયત્ન અને પરોક્ષ રીતે મોટો સહયોગ રહ્યો છે. ગિર જંગલનું સંરક્ષણ અને તેમાં કુદરતી રીતે વસવાટ કરતાં વન્ય પ્રાણીઓનું સંવર્ધન ગુજરાત વન વિભાગના અથાગ પરિશ્રમ અને ગિરની આસપાસ રહેનાર સ્થાનિક લોકોને આભારી છે.
ઐતિહાસિક દ્રષ્ટિએ સિંહ વિશ્વના મોટા વિસ્તારમાં હાજરી ધરાવતા હતાં. પરંતુ વર્તમાન સમયમાં સિંહ સૌરાષ્ટ્રના 30,000 ચો.કિ.મી. વિસ્તારમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહ સૌરાષ્ટ્રના જુનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં અમુકવાર જોવા મળે છ. વન વિભાગ અને સ્થાનિક લોકોના સહયોગથી છેલ્લા ત્રણ દાયકાઓમાં સિંહની વસ્તીમાં વધારો થયો છે.
એશિયાઇ સિંહના બચાવ માટે આપણે શું કરી શકીએ? તેના જવાબમાં કહી શકાય કે, એશિયાઇ સિંહોએ વન્યજીવ છે. જેની કુદરતી પ્રક્રિયામાં આપણે ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઇએ અને સિંહોને હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખવું જોઇએ. સિંહ અને વન્ય જીવો વિરો કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. જેનાથી દૂર રહેવું જોઇએ. એશિયાઇ સિંહોએ આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ છે. જેની જાળવણીએ આપણી ફરજ છે. તો ચાલો સાથે મળીને સૌ પ્રતિજ્ઞા લઇએ ‘હું જાણુ છું કે, સિંહ એશિયાખંડના ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરે છે અને હાલ સિંહોની સંખ્યામાં વધારો થયો છે. આથી ગુજરાતના ગૌરવસમા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે હું ખંતપૂર્વક મારુ યથા યોગ્ય યોગદાન આપવા પ્રતિજ્ઞા લઉં છું.
આ તકે વન વિભાગ ગુજરાત રાજ્ય વન્ય પ્રાણી વિભાગ, સાસણગીરની ટીમની કામગીરી ખૂબ સરાહનિય છે. આપણે પણ આજે વિશ્વ સિંહ દિવસના દિવસે સિંહોના રક્ષણ માટે પ્રતિજ્ઞા લેવી જોઇએ.