જૂનાગઢમાં જર્જરીત મકાન ધસી પડવાની ઘટના અને ત્યારબાદ જૂનાગઢ મહાપાલિકાએ હાથ ધરેલી ડિમોલીશન ઝુંબેશને ધ્યાનમાં લઇ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ જાગ્યું હોય તેમ જણાઇ રહયું છે.
જામ્યુકોની સ્લમ શાખા, સિકયુરિટી તેમજ અન્ય વિભાગો દ્વારા આજે સવારે શહેરમાં વર્ષોથી અત્યંત ર્જીણર્શિણ હાલતમાં રહેલી અંધાશ્રમ સામેની 1404 આવાસ યોજનાના રહેવાસીઓને જર્જરીત મકાનો ખાલી કરી દેવા માટે નોટિસ આપવા સાથે તેમને રિ-ડેવલોપમેન્ટ યોજના અંગેની જાણકારી આપીને સમજાવટપૂર્વક અન્યત્ર ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્લમ વિભાગના અધિકારી અશોક જોષીએ આ વિસ્તારમાં પહોંચીને નોટિસ આપવા સાથે લોકોને જામ્યુકોની યોજના અંગે પણ સમજાવ્યા હતા. જો કે, રહેવાસીઓ પોતાના મકાન ખાલી કરવા માટે તૈયાર ન હોવાનું જણાવ્યું હતું. જામ્યુકો દ્વારા જો અહીંના રહેવાસીઓ મકાન ખાલી આપે તો આ જગ્યાએ હાલના 3 માળના મકાનોની જગ્યાએ આવાસ યોજના અંતર્ગત બહુમાળી ઇમારત બનાવી વધુ સારા મકાનો રહેવાસીઓને આપવાની યોજના હોવાનું જણાવ્યું હતું.