આજનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. સમગ્ર વિશ્ર્વની નજર ભારત પર ટકેલી છે. આજે ભારત ચંદ્રયાન-3ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 કલાકે લોન્ચ કરશે. ચંદ્રયાન-3 ના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલમાં કુલ છ પેલોડ જઈ રહ્યા છે. દેશના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચંદ્રયાન 3 શુક્રવાર (14 જુલાઈ) ના રોજ શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે. આ મૂન મિશન વર્ષ 2019ના ચંદ્રયાન 2નું ફોલો-અપ મિશન છે. ભારતના આ ત્રીજા મૂન મિશનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું ’સોફ્ટ લેન્ડિંગ’ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ’ચંદ્રયાન-2’ મિશન દરમિયાન અંતિમ ક્ષણોમાં લેન્ડર ’વિક્રમ’ પાથના વિચલનને કારણે ’સોફ્ટ લેન્ડિંગ’ કરી શક્યું ન હતું. જો દક્ષિણ ધ્રૂવ પર ચંદ્રયાન 3 સફળતા પૂર્વક લેન્ડ કરશે તો ભારત આ સિદ્ધી મેળવનાર વિશ્ર્વનો પ્રથમ દેશ બની જશે. ચંદ્રયાન-3 આજે બપોરે 2.35 કલાકે લોન્ચ થવાનું છે. ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું કે, લોન્ચ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં જશે. અને પછી ધીમે-ધીમે ચંદ્ર તરફ આગળ વધશે. અમે આશા રાખીએ છીએ કે બધું સારું થઈ જશે અને 23 ઓગસ્ટે અથવા તેના પછી કોઈપણ દિવસે ઉતરશે. ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઉતરાણ 23-24 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સૂર્યોદયની સ્થિતિને જોતા તેમાં ફેરફાર થઈ શકે છે. જો સૂર્યોદયમાં વિલંબ થાય છે, તો ઇસરો ઉતરાણનો સમય વધારી શકે છે અને સપ્ટેમ્બરમાં કરી શકે છે. ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ લેન્ડર અને રોવર મોકલવામાં આવશે પરંતુ તેમાં ઓર્બિટર નહીં હોય. કારણ કે અગાઉના ચંદ્ર મિશનનું ઓર્બિટર હજુ પણ અવકાશમાં કામ કરી રહ્યું છે.