દિલ્હીમાં યમુનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. ગુરુવારે સવારે 7 વાગ્યે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 208.46 મીટરે પહોંચી ગયું હતું. નદીનું જળસ્તર ભયજનક નિશાન 205 મીટરથી 3 મીટર ઉપર વહે છે. રાજધાનીના વજીરાબાદમાં સિગ્નેચર બ્રિજ પાસે ગઢી માંડુ ગામ પાણીમાં ડૂબી ગયું હતું. મુખ્યમંત્રી કેજરીવાલના ઘર સુધી પાણી પહોંચી ગયું છે.
સ્થિતિને લઇને તેમણે ઇમરજન્સી બેઠક બોલાવી છે. યમુના નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોમાંથી 16,000થી વધુ લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવ અને જળપ્રલયની અસર હરિયાણા અને દિલ્હીમાં દેખાવા લાગી છે. બીજી તરફ ઉત્તરાખંડમાં આફતનો વરસાદ શરૂ થયો છે. અનેક જગ્યાએ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. જયારે શાળા, કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને પુલ ધોવાઇ જવાને કારણે 1189 રસ્તાઓ બંધ થયા છે. જેને કારણે 20,000થી વધુ પ્રવાસીઓ જુદી-જુદી જગ્યાએ ફસાયા છે. રાજયમાં અત્યાર સુધીમાં 88 લોકોના મોત થયા છે. હરિયાણાના હથની કુંડ બેરાજમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ યમુનાના જળસ્તરમાં વધારો થયો છે. યમુના વજીરાબાદથી ઓખલા સુધી 22 કિમીમાં વહે છે. સેન્ટ્રલ વોટર કમિશનને આશંકા છે કે ગુરુવાર બપોર સુધીમાં જ્યારે પાણીનું સ્તર 209 મીટર સુધી પહોંચશે ત્યારે મોટાભાગના વિસ્તારો ડૂબી જશે. ગઉછઋની 12 ટીમો અહીં તહેનાત કરવામાં આવી છે.2,700 રાહત શિબિર લગાવવામાં આવ્યા છે. આ તરફ ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં બુધવારે 3 લોકો નદીમાં તણાઈ ગયા હતા. ચમોલી જિલ્લામાં 5 જગ્યાએ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે પણ બંધ છે. ગંગોત્રી, યમુનોત્રી અને રુદ્રપ્રયાગ હાઈવે પણ બંધ છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને 1189 રસ્તાઓ બંધ થવાને કારણે લગભગ 20,000 પ્રવાસીઓ અટવાયા છે.જ્યાં વીજળી નથી અને ફોન નેટવર્ક પણ નથી. 24 જૂનથી રાજ્યમાં 88 લોકોનાં મોત થયાં છે. 51 જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને 32 જગ્યાએ પૂર આવ્યું છે. મુખ્યમંત્રીએ તેને 50 વર્ષમાં રાજ્યની સૌથી મોટી દુર્ઘટના ગણાવી છે.