જામનગર શહેરના વોર્ડ નં.4 માં વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવા વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા તથા પૂર્વ કોર્પોરેટર વકીલ આનંદ ગોહિલ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
કમિશનરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં થયેલા વરસાદને કારણે વોર્ડ નં.4 મા નવાગામ ઘેડના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જતાં લોકો પરેશાન થયા હતાં અને માલમિલકતને નુકસાન થયું હતું. છેલ્લાં ઘણાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. અગાઉ વોટર સ્ટ્રીમ એટલે કે વરસાદી પાણીના નિકાલ બાબતે લાઈન નાખવાની વાત કરી સર્વે કરાયો હતો. પરંતુ તે પ્રમાણે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમજ અંબર ચોકડીથી ભીમવાસ અને નવાગામ ઘેડના ઢાળિયા સુધી કેનાલના કામની મંજૂરી મળી હોવા છતાં હજુ સુધી આરસીસી કેનાલ કરવામાં આવી નથી. તેમજ સ્વામિનારાયણ નગરની કેનાલ જે નદીના પટ્ટમાં જાય છે તેમાં માટી મોરમ અને કચરો નાખવાથી પાણી જઈ શકતું નથી. આથી વોર્ડ નં.04 ભીમવાસ અને નવાગામ ઘેડમાં વરસાદી પાણીમાં નિકાલ કરવા માંગણી કરવામાં આવી છે. અન્યથા ધરણા અને આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ છે.