જામનગરની સૈનિક સ્કુલ બાલાચડી દ્વારા 62માં શાળા સ્થાપના દિવસ ખૂબજ ઉત્સાહ સાથે ઉજવાયો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ કર્નલ શ્રેયસ મહેતા આચાર્ય સૈનિક સ્કુલ બાલાચડીએ શૌર્ય સ્તંભ શહિદોના યુધ્ધ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી હતી.
દિવસના કાર્યક્રમની શરૂઆત સ્કૂલના ઓડિટોરિયમમાં સ્કૂલ કેડેટ કેપ્ટન દક્ષરાજસિંહ જાડેજા દ્વારા પ્રવચન સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ સૈનિક સ્કૂલ બાલાચડી પર ડ્રોન શૂટ ફિલ્મ જોવા મળી હતી. રાઘેશ.પી.આર એચ.ઓ.ડી. સામાજિક વિજ્ઞાન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા શાળાની ઉત્પત્તિ અને વિકાસને લગતી માહિતી શેર કરી. બાદમાં પ્રભાવશાળી સાંસ્કૃતિક કાર્યક્રમે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા જેમાં કેડેટ જીયા દોશીએ ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્ટયમ, શાળાના કેડેટ્સ દ્વારા પર સમૂહ ગીત રજૂ કર્યું. કેડેટ્સ દ્વારા કરવામાં આવેલા માઇમ દ્વારા જળ સંરક્ષણ અંગેનો સંદેશ સારી રીતે આપવામાં આવ્યો હતો.
મુખ્ય અતિથિએ તેમના સંબોધનમાં દરેકને 62માં શાળા સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે શાળાના બહાદુર શહીદોને યાદ કર્યા જેમણે રાષ્ટ્ર માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું અને સ્થાપના દિવસની ઉજવણી પાછળનું કારણ જણાવ્યું હતું કે જે એક હેતુ માટે છે. તેણે રિયલ લાઈફ સ્ટોરી પણ બધા સાથે શેર કરી. તેમણે એસ.એસ.બી.ઇન્ટરવ્યુ ક્લિયર કરવા બદલ શાળાના ચાર કેડેટ્સ જેમાં કેડેટ વેદાંત, કેડેટ અમૃત રાજ, કેડેટ ભવદીપ અને કેડેટ આયુષને પણ અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ કેડેટ્સ અને સ્ટાફે વિડીયો સંદેશા દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્ગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.