ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લાઓમાં તળાવોને પુન :જીવિત કરવા માટેની જવાબદારી ખાનગી સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવી છે અને જામનગરની જૈન સંગઠન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જામનગર જિલ્લાના 421 ગામોમાં તળાવને પૂન: જીવિત કરવા માટેની જવાબદારી સ્વીકારવામાં આવી છે, અને જામનગરના જિલ્લા કલેકટર સાથે તે અંગેના એમઓયુ પણ કરી લેવામાં આવ્યા છે. ભારતીય જૈન સંઘઠ્ઠન (બીજેએસ), પુના દ્વારા મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજયમાં ગત વર્ષોમાં જળસંચયના કાર્યોથી પ્રભાવિત થઇ કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને જળશકિત મીનીસ્ટ્રી દ્વારા સમગ્ર દેશમાં 100 જીલ્લાઓને પાણીદાર બનાવવા માટે જન-જાગૃતિનું કાર્ય કરવાની જવાબદારી ત્રણ વર્ષ માટે સોંપીહતી. તેના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતાં. ગુજરાતમાં ત્રણ જીલ્લાઓ આ પ્રવૃતિ માટે પસંદ કરવામાં આવેલ છે અને જામનગર જીલ્લો તે ત્રણ જીલ્લાઓ પૈેકીનો એક છે. જેના અનુસંધાને બીજેએસ જામનગર ચેપ્ટર-જૈન સંગઠ્ઠન ફાઉન્ડેશન જામનગર દ્વારા જામનગર જીલ્લા કલેકટર બી.એ.શાહ સાથે તા. 16ના રોજ એમ.ઓ.યુ.માં સહી કરાઇ હતી અને જામનગર જીલ્લાના 421 ગામોમાં જન-જાગૃતિ લાવી જળ-આંદોલન શરૂ કરવામાં આવશે. દેશભરમાં પાણીની કટોકટી દિવસે-દિવસે વધી રહી છે. પાણી એ જીવન છે. દરેક ગામને પીવા માટે, ખેતી તેમજ પ્રાણીઓને સતત પાણીની જરૂર પડે છે. આબોહવા ઝડપથી બદલાઇ રહી છે. વરસાદ અનિયમિત બની ગયો છે. આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે દરેક ગામ પાણી માટે સ્વાવલંબી બને તેવું આયોજન કરવું જરૂરી છે.
દરેક ગામ/તાલુકામાં પાણીના સંગ્રહ માટે કુવાઓ, ગામ-તળાવો, તેમજ નાના-મોટા તળાવો અને ડેમ છે. ઘણી જગ્યાએ તળાવોમાં કાંપ ભરાઇ ગયો છે. કાંપ ભરાવાથી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટે છે. ગામને જળ સક્ષમ કરવા આ તમામ જળાશયોમાંથી ખોદકામ કરી કાંપ દુર કરવો, તેમની કાયમી જાળવણી કરવી, પાણીનો બગાડ ટાળવો વિગેરે વિશેષ જાણકારી અને જારુકતા કેળવવી અત્યંત જરૂરી છે. ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓને યોગ્ય તાલીમ આપી સશકત બનાવી સરકારની મદદથી જામનગર જીલ્લાના તમામ તળાવોને જળ-સમૃદ્ઘ કરી ગામડાઓને પાણીમાં આત્મનિર્ભર-બનાવવા માટે ગામે ગામ પ્રચાર રથ ફેરવી જન-જાગૃતિ આણી ગ્રામ પંચાયતો તરફથી માંગણીની અરજી કરાવી તે કર્યોને બનતી ત્વરાએ પુરા કરાવવા માટે બીજેએસ જામનગર ચેપ્ટર-જૈન સંગઠ્ઠન ફાઉન્ડેશન જામનગરના સભ્યો દ્વારા સંનિષ્ઠ પ્રયાશો કરવામાં આવશે. તદુપરાંત આવતા શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાણીનું જીવનમાં મહત્વ, તેનો યોગ્ય ઉપયોગ કરવા અંગે અને પાણીનો બગાડ કેમ અટકાવવો તે વિષે જાગૃત કરી આવનારી પેઢીને પણ જળ-અંદોલનમાં સામેલ કરવામાં આવશે. આમ જનતાના ભવિષ્યને સુરક્ષિત કરવાના આ ઉમદા કાર્યમાં જૈન સમાજ જોડાયો તે અન્ય દરેક સમાજ માટે પ્રેરક છે અને જામનગર જૈન સમાજ માટે ગૌરવની વાત છે કે બીજેએસ જામનગર ચેપ્ટર-જૈન સંગઠ્ઠન ફાઉન્ડેશન જામનગરના સભ્યોએ આ જવાબદારી સ્વીકારી છે.