મ્યાંમાર અને બાંગ્લાદેશના તટીય વિસ્તારમાં રવિવારે ત્રાટકેલા અત્યંત શક્તિશાળી મોચા નામના વાવાઝોડાંએ બંને દેશોમાં ભારે વિનાશ વેર્યો હતો. વાવાઝોડાંની પાંચમી કેટેગરીમાં તબદિલ થયેલા આ ચક્રવાતને કારણે આશરે પાંચ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી હતી. અત્યાર સુધીમાં મોચા વાવાઝોડાંને કારણે મ્યાંમારમાં ઓછામાં ઓછાં પાંચ લોકોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ છે.
બાંગ્લાદેશમાં છેલ્લાં 20 વર્ષમાં નોંધાયેલા સૌથી શક્તિશાળી ચક્રવાતો પૈકીના એક એવા મોચાએ બપોરના સમયે ટેકનાફના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. આ વાવાઝોડું પહેલાં બાંગ્લાદેશના સેન્ટ માર્ટિન દ્વિપ ઉપરથી પસાર થયું હતું જ્યાં પણ ભારે વિનાશ સર્જાયો હતો.
મ્યાંમારમાં આશરે કલાકના 209 કિ.મીની ઝડપે ફૂંકાયેલા પવન અને ભારે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત ઘણાં મકાનોના છાપરાં ઉડી ગયા હતાં. મોબાઈલ ટાવર્સ તૂટી જતાં અનેક જગ્યાએ સંદેશાવ્યવહાર પણ ખોરવાયો હતો. તટીય વિસ્તારોમાં રહેતાં હજારો લોકોએ મઠ, ધાર્મિક સ્થળો તથા શાળાઓમાં આશ્રય લીધો હતો.
બાંગ્લાદેશના હવામાન વિભાગના પ્રવક્તા એકેએમ નઝમુલ હુડાએ જણાવ્યું હતું કે વાવાઝોડાની આંખ એટલે કે તેનો મધ્યભાગ બપોરે નાફ નદીના માર્ગે ટેકનાફના દરિયાતટે અપેક્ષા કરતાં વહેલા ત્રાટક્યો હતો. જ્યારે તેની પૂંછ અથવા બાકીનો પાછળનો ભાગ કે જેને કેટેગરી પાંચ હેઠળ મુકાયો છે અને જે અત્યંત જોખમી અને વિનાશક મનાઈ રહ્યો છે તેને દરિયાકાંઠેથી પસાર થવામાં સમય લાગશે. તેમણે જણાવ્યું હતું કે મોડી રાત સુધીમાં વાવાઝોડાનું જોર ઘટવાની સંભાવના છે.