સુદાનમાં સ્થિતિ સતત વણસી રહી છે. દેશ ગૃહયુદ્ઘની ઝપેટમાં છે. અહીંની સામાન્ય જનતા સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે હિંસક અથડામણનો ભોગ બની રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કહ્યું કે હિંસામાં 413 લોકોના મોત થયા છે. WHOએ કહ્યું કે બાળકો પણ આની કિંમત ચૂકવી રહ્યા છે. હિંસામાં 9 બાળકોના મોત થયા છે, જયારે 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. WHOના પ્રવકતા માર્ગારેટ હેરિસે સંયુકત રાષ્ટ્રની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
સુદાનમાં સરકારી આંકડાઓ અનુસાર સંઘર્ષમાં 413 લોકોના મોત થયા છે અને 3,551 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે એક એકશન પ્લાન તૈયાર કર્યો છે. ભારતીય વાયુસેનાના બે C-130J એરક્રાફટ હાલમાં જેદ્દાહ (સાઉદી અરેબિયા)માં સ્ટેન્ડબાય પર છે. આ સિવાય ઈંગજ સુમેધા પણ સુદાનના બંદર પર પહોંચી ગયું છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે 15 એપ્રિલથી અત્યાર સુધી વિવિધ સ્વાસ્થ્ય માળખા પર 11 હુમલા થયા છે. હેરિસે કહ્યું કે સુદાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 20 થી વધુ હોસ્પિટલો બંધ કરવામાં આવી છે. જયારે 12 મોટી હોસ્પિટલો છે જે હિંસાને કારણે બંધ થવાના આરે છે. તેમણે કહ્યું કે જો સ્થિતિ એવી જ રહેશે તો લોકોને સારવાર કયાંથી મળશે. કેટલાક લોકો એવા છે કે જેઓ હિંસામાં ઘાયલ થઈ રહ્યા છે, જયારે કેટલાક લોકોને પહેલાથી જ હોસ્પિટલમાં નિયમિત સારવારની જરૃર છે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે, આ સ્થિતિ ખૂબ જ ભયાનક છે. વિદેશ મંત્રાલયએ કહ્યું કે વાયુસેનાના બે C-130J એરક્રાફટ અને નૌકાદળના જહાજ ઈંગજ સુમેધાને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે ભારત જટિલ અને વિકસતી સુરક્ષા સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતર માટે પણ સંકલન કરી રહ્યું છે. સરકારે કહ્યું કે ભારત ઘણા વિકલ્પોને અનુસરી રહ્યું છે. સુદાનના સત્ત્માવાળાઓ ઉપરાંત, સુદાનમાં ભારતીય દૂતાવાસ પણ સંયુકત રાષ્ટ્ર, સાઉદી અરેબિયા, સંયુકત આરબ અમીરાત, ઇજિપ્ત અને યુએસ સાથે સતત સંપર્કમાં છે.