જામજોધપુર તાલુકાના પાટણ ગામની સીમમાં બાતમીના આધારે જીયુવીએનએલની વીજ ચેકીંગ ટુકડીએ પથ્થરો ખોદવાની ખાણ પર દરોડો પાડતાં રૂ.90 લાખની વીજ ચોરી ઝડપાઈ છે અને જામનગર જિલ્લામાં પ્રથમ વખત વીજચોરી માટે પ્રાઈવેટ ટ્રાન્સફોર્મર નખાયેલું મળી આવતાં ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર-પોરબંદર વચ્ચે આવેલાં પાટણ ગામની સીમમાં છેલ્લા થોડા સમયથી પથ્થરો કાઢવાની ખાણમાં વ્યાપક વીજ ચોરી થતી હોવાની વીજતંત્રને મળેલી બાતમીના આધારે ખાણ પર વોચ ગોઠવી મંગળવારની રાત્રે 12 વાગ્યે વડોદરાથી જીયુવીએનએલના – તેમજ જામનગર સિવાયના ઈજનેરો અને 18 જેટલા ટેકનીકલ સ્ટાફની ટીમ દ્વારા વીજ પોલીસ તંત્રના ડીવાયએસપી, પીઆઈ કક્ષાના અધિકારી અને 15 જેટલા પોલીસ કર્મચારી સાથે રાખીને દરોડાની કામગીરી દરમ્યાન ખાણમાં કોઈ હાજર મળ્યું ન હતું. તેથી વીજ કંપનીના સ્ટાફે આકારણી કરતાં રૂ.90 લાખની વીજ ચોરી સામે આવી હતી. આ વીજ ચોરી માટે ખાનગી ધોરણે ટ્રાન્સફોર્મર પણ મુકાયું હોવાનું અધિકારીઓના ધ્યાને આવતાં તેને પણ કબ્જે લેવામાં આવ્યું હતું. વીજ તંત્રની આ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. વીજ વર્તુળ કચેરીના જણાવ્યા મુજબ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.