Friday, December 5, 2025
Homeરાજ્યજામનગર8 ઓકટોબર ભારતીય એરફોર્સ ડે

8 ઓકટોબર ભારતીય એરફોર્સ ડે

જામનગરના રાજવીનો રાષ્ટ્રપ્રેમ ,જેના દાનથી ઉભર્યું ભારતનું શક્તિશાળી એરફોર્સ મથક

ભારતીય વાયુસેનાનો સ્થાપના દિવસ એટલે કે એરફોર્સ ડે દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. 1932માં માત્ર છ વિમાનો અને થોડા જવાનો સાથે શરૂ થયેલી આ સેના આજે વિશ્વની અગ્રણી વાયુસેનાઓમાં સ્થાન ધરાવે છે. આ દિવસ એ સમર્પિત છે તે જવાનોને, જે આકાશની સરહદ પર રાષ્ટ્રની રક્ષા માટે સદૈવ સજ્જ રહે છે. વાયુસેના માત્ર યુદ્ધના મેદાનમાં જ નહીં, પરંતુ આપત્તિ, બચાવ, અને માનવ સેવાના પ્રસંગો દરમિયાન પણ પોતાનું અદભૂત યોગદાન આપતી રહી છે. આ દિવસે સમગ્ર દેશ આકાશના રક્ષકોને વંદન કરે છે.

- Advertisement -

ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં જામનગર એરફોર્સ મથકનું વિશેષ સ્થાન છે. પશ્ચિમ કાંઠે આવેલું આ મથક રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. જામનગર એરબેઝનો ઈતિહાસ માત્ર સૈનિક દૃષ્ટિએ જ નહીં, પરંતુ દેશપ્રેમ અને રાજવી ભેટની અવિસ્મરણીય ગાથા સાથે જોડાયેલો છે. આઝાદી બાદ ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે જુનાગઢના નવાબે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે જામનગરના રાજવી મહારાજા દિગ્વીજયસિંહજી જામસાહેબે અદભૂત રાષ્ટ્રપ્રેમ દાખવ્યો હતો. તેમણે પોતાના ખાનગી એરપોર્ટ અને તેની આસપાસની જમીન ભારતીય વાયુસેનાને ભેટ રૂપે આપી દીધી. આ ભેટ માત્ર એક મિલકત નહોતી, પરંતુ રાષ્ટ્રસુરક્ષાની દિવાલ હતી, જેનાથી પશ્ચિમ કાંઠાની હવાઈ રક્ષા મજબૂત બની.

જામનગર એરફોર્સ મથકની સ્થાપના પછી અહીંથી અનેક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરાયા. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જામનગરથી ઉડેલા મિગ વિમાનો કરાચી તરફના દુશ્મનના ટેન્કો અને લશ્કરી ઢાંચાઓ પર સફળ હુમલા કરી ભારતની જીતમાં ફાળો આપ્યો હતો. 1971ના યુદ્ધ દરમિયાન પણ અહીંથી મિગ-21 વિમાનો ઉડી પાકિસ્તાનના અનેક હવાઈ મથકો પર બોમ્બીંગ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યાં હતાં. જામનગરના આકાશમાંથી ઉડેલા જવાનોના સાહસે દેશના શત્રુઓને ચોંકાવ્યા હતાં. આ મથક બાદમાં સુખોઈ-30 અને મિગ-29 જેવી આધુનિક ફાઇટર જેટ્સ માટેના મહત્વપૂર્ણ બેઝ તરીકે વિકસ્યું, અને આજે પણ તે પશ્ચિમ રક્ષણ રેખામાં અગત્યનું કેન્દ્ર છે.

- Advertisement -

જામનગરના રાજવી પરિવારે વાયુસેનાની સેવા માટે જે ભેટ આપી તે ફક્ત ઈતિહાસ નહીં, પરંતુ ગૌરવનું પ્રતિક બની છે. મહારાજા દિગ્વીજયસિંહજી બાદ તેમના પુત્ર યુવરાજ શત્રુસલ્યાજી જામસાહેબે પણ રાષ્ટ્રપ્રેમની અદભૂત ઝલક આપી હતી. યુદ્ધકાળમાં તેઓ પોતે એરફોર્સના કેમ્પમાં રહી એન્ટી-એરક્રાફ્ટ ગન સંભાળી સૈનિકો સાથે ફરજ બજાવતા હતાં. વાયુસેનાએ તેમની આ સેવા બદલ તેમને માનદ “વિંગ કમાન્ડર”નો ખિતાબ આપ્યો હતો. રાજવી પરિવારે પોતાની મિલકત, સમય અને સેવા — બધું જ દેશ માટે સમર્પિત કર્યું હતું.
જામનગરનું એરફોર્સ મથક ફાઇટર પાઈલોટ્સ માટે એક પ્રકારનું તાલીમ કેન્દ્ર પણ રહ્યું છે. અહીં સરમત નજીકની રેન્જ પર એર-ટુ-ગ્રાઉન્ડ અને એર-ટુ-એર તાલીમ લેવામાં આવતી. અહીં પાઈલોટ્સને વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ફાયરિંગ અને ટારગેટ હિટિંગ શીખવવામાં આવતું. લાંબા સમય સુધી ભારતભરમાં કોઈ પણ ફાઇટર પાઈલોટને પૂરતી તાલીમ મેળવવા માટે જામનગર આવવું ફરજિયાત ગણાતું હતું. આથી જામનગરને “ફાઇટર પાઈલોટ્સનું પવિત્ર કેન્દ્ર” તરીકે ઓળખવામાં આવતું.

વર્ષો દરમિયાન ભારતીય વાયુસેનાએ પોતાની શક્તિ અનેકગણી વધારી છે. 1932માં શરૂ થયેલી વાયુસેના આજે સુખોઈ-30 એમકેઆઈ, મિગ-29, જેગ્વાર જેવા આધુનિક યુધ્ધ વિમાનો ધરાવે છે. ટ્રાન્સપોર્ટ માટે ગજરાજ IL-76 અને આપત્તિકાળમાં ઉપયોગી મી-8, ચેતક અને ધ્રુવ હેલીકોપ્ટર વાયુસેનાની બહુમુખી ક્ષમતાનું પ્રતિબિંબ છે. આ સેના યુદ્ધકાળમાં જેટલી સક્રિય છે, એટલી જ રીતે શાંતિના સમયમાં આપત્તિ, પૂર, ભૂકંપ અને બચાવ કામગીરીમાં પણ પ્રથમ લાઇનમાં જોવા મળે છે.

- Advertisement -

જામનગર એરબેઝ આજે પણ દેશની રક્ષા માટે અવિરત કાર્યરત છે. અહીંથી ઉડતા વિમાનો માત્ર આકાશમાં નહિ, પરંતુ દરેક ભારતીયના હૃદયમાં ગૌરવ અને સુરક્ષાનો ભાવ જગાવે છે. જામનગરના રાજવી પરિવારના દેશપ્રેમથી શરૂ થયેલી આ ગાથા આજે ભારતીય વાયુસેનાના પરાક્રમ સાથે અખંડ જોડાઈ ગઈ છે. એરફોર્સ ડે એ દિવસે આખો દેશ આકાશના યોદ્ધાઓને સલામ કરે છે અને જામનગર જેવી ધરતીને નમન કરે છે, જેણે આકાશમાં ઉડતા વિમાનો માટે પોતાનો એક અવિસ્મરણીય હિસ્સો સમર્પિત કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular