દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. દિલ્હીના કર્તવ્યપથ પર ગણતંત્ર દિવસની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. પહેલી વખત આર્મી બેન્ડને બદલે શંખનાદ સાથે પરેડની શરૂઆત થઇ હતી. ભવ્ય પરેડમાં નારી શક્તિના દર્શન થયા હતાં. સેનાની ત્રણે પાંખોની ટુકડીઓનું નેતૃત્વ મહિલાઓએ કર્યું હતું. આ ઉપરાંત મહિલા જવાનોની ટુકડીઓએ પણ પરેડમાં ભાગ લઇને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. 40 વર્ષ બાદ ફરી એક વખત પરંપરાગત બગીમાં બિરાજમાન થઇને પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ સાથે જ 21 તોપોની સલામી આપવામાં આવી હતી. જ્યારે આકાશમાં રાફેલ વિમાનોની ગર્જના સાંભળવા મળી હતી. 75મા ગણતંત્ર સમારોહના મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓ ભારતના રાષ્ટ્રપતિ મુર્મુ સાથે બગીમાં સવાર થઇને કર્તવ્ય પથ પર પહોંચ્યા હતાં. જ્યાં પ્રધાનમંત્રી તથા રક્ષામંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું. ગણતંત્ર પરેડમાં ફ્રાન્સની સેનાની ટુકડીએ પણ ભાગ લીધો હતો. જ્યારે ફ્રાન્સ વાયુસેનાના ફાઇટર જેટ પણ ગણતંત્ર પરેડમાં જોડાયા હતાં. આ સાથે જ કર્તવ્યપથ પર ભવ્ય પરેડનો પ્રારંભ થયો હતો. સેના અને અર્ધલશ્કરી દળોની ટુકડીઓના માર્ચ પાસ્ટ સાથે વિવિધ રાજ્યોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતનો ધોરડોની સાઇટનો ટેબ્લો પણ પરેડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ અગાઉ સવારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દિલ્હી સ્થિત વોર મેમોરીયલ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે શહીદોને શ્રધ્ધાંજલી આપતા બે મિનિટનું મૌન પાડ્યું હતું. આ વખતે ગણતંત્ર દિવસની થીમ વિકસીત ભારત તથા ‘ભારત લોકશાહીની માતા’ છે. ગણતંત્ર પરેડમાં યોજાયેલ ફ્લાઇપાસ્ટમાં વાયુસેનાના 51 વિમાનો જોડાયા હતાં. જેમાં 29 ફાઇટર જેટ, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 1 હેરીટેજ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
કર્તવ્યપથ પર સશક્ત ભારતનો શંખનાદ
‘ભારત લોકશાહીની માતા’ની થીમ પર ઉજવાયું ગણતંત્ર પર્વ: રાષ્ટ્રપતિ મુર્મુએ લહેરાવ્યો તિરંગો: પહેલી વખત શંખનાદ સાથે પરેડની શરૂઆત: પરેડમાં નારીશક્તિના થયા દર્શન: ત્રણે સેનાની ટુકડીઓની આગેવાની મહિલાઓએ લીધી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ સમારોહના મુખ્ય અતિથિ: પ્રધાનમંત્રી મોદીએ શહીદોને આપી શ્રધ્ધાંજલી