દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગંજીપતા વડે શ્રાવણ માસની ઉજવણી કરતા શખ્સો સામે પોલીસ તંત્ર દ્વારા કડક સાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે મંગળવારે એક દિવસમાં કુલ 12 સ્થળોએ જુગાર દરોડામાં 53 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
ખંભાળિયા પંથકમાં રમાતા જુગાર સામે સ્થાનિક પોલીસે કડક કાર્યવાહી કરી, પોલીસ સ્ટાફના ખીમભાઈ કરમુર, કાનાભાઈ લુણા તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના જાકસિયા ગામના કંડામોરા વાડી ખાતે રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાલકદાસ કુબાવત નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી પરથી પોલીસ સ્ટાફે દરોડો પાડી, આ સ્થળેથી જીતેન્દ્ર ઉર્ફે જીતુ કુબાવત સાથે નુંધા હરસુખ આસાતાણી, લખુભા જીવુભા જાડેજા, ભાનુશંકર લાલજી જોશી, શૈલેષ વલ્લભદાસ રામાવત અને દિનેશ ભીમજી જોશી નામના છ શખ્સોને દબોચી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 48,100 રોકડા તથા રૂપિયા 21,000 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 69,100 નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત અહીંના રાવલપાડા વિસ્તારમાંથી પોલીસે રવિ રમેશ સોઢા, વિશાલ સુરેશ ચૌહાણ અને લાલા દિપક સોઢા નામના ત્રણ શખ્સોને રૂપિયા 11,280 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ખંભાળિયા તાલુકાના વાડીનાર મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં સ્થાનિક સ્ટાફના વિંજાભાઈ ઓડેદરાની બાતમી પરથી નજીકના ભરાણા સીમ વિસ્તારમાંથી પોલીસે મેહુલ રવિન જોશી, રઘુવીરસિંહ દિપસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ, નિલેશસિંહ બહાદુરસિંહ અને પૃથ્વીરાજસિંહ ગુમાનસિંહ જાડેજા નામના છ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 10,520 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કલ્યાણપુર તાલુકાના ગાંધવી વિસ્તારમાંથી લાખા હીરા સિંઘલ, સુરેશભારથી નારણભારથી, વિમલગર ખીમગર, જગદીશ રામગર અને જયસુખગર અમરગર નામના પાંચ શખ્સોને પોલીસે રૂપિયા 28,760 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત દેવળીયા ગામેથી ગોવિંદ ડાયા મકવાણા, હસમુખ નથુ સોલંકી અને ભરત નરેશ મકવાણા નામના શખ્સો રૂપિયા 3,720 ના મુદ્દામાલ સાથે અને પટેલકા ગામેથી નવલગીરી બાવનગીરી ગોસ્વામી, વિમલ જેન્તી જીયા અને રાજેશ હંસરાજ જીયાને પોલીસે રૂપિયા 3,490 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાંથી મિયાજરભા થાર્યાભા કેર, ધાંધાભા થાર્યાભા કેર, ખીમાભા દેવાણંદભા, ગજુભા સામરાભા, રાજેશભા લઘુભા અને સંજયભા કેશુભા નામના છ શખ્સો રૂપિયા 7,730 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.
દ્વારકાના ટી.વી. સ્ટેશન વિસ્તારમાંથી રામભા ચીબાભા સુમણીયા, ખેતાભા ધીરુભા, રાજેશભા નાનાભા, સાજણભા ગાંગાભા અને રાજમલભા રાજાભાને પોલીસે 15,180 ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ વિસ્તારમાંથી ભરતસિંહ ધીરુભા જાડેજા, આઘાભા પ્રતાપભા, ખેરાજભા રીણાભા અને ગજુભા રવાભાને પોલીસે રૂપિયા 17,340 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ઓખા મરીન પોલીસે કાર્બન સોસાયટી વિસ્તારમાંથી ભાવેશભા બાઘાભા સુમણીયા, મિલન કિશોર અઘેરા, નિલેશભા જીવણભા, માંડણભા જીવણભા અને કરમભા માંડણભા માણેક નામના પાંચ શખ્સોને રૂપિયા 11,950 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાણવડ પોલીસે હાથલા ગામેથી બીજલ છગન મકવાણા, કાંતિ ત્રિકમ સોલંકી, રૂપેશ બીજલ મકવાણા અને રમેશ જેસા સોલંકીને રૂપિયા 10,380 ના મુદ્દામાલ સાથે જ્યારે ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાંથી પોલીસે ખેતા માના પરમાર, કરસન મોહન પરમાર અને મકન નાનજી ચૌહાણ નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 2,610 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.