દેશ અને ધર્મ કાજે શહીદ થયેલા હજારો શહીદોની યાદમાં છેલ્લા 30 વર્ષો થી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચર મોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા શહીદ શ્રધ્ધાંજલી સમારોહનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે આ શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે વિશિષ્ઠ કાર્યક્રમ અંતર્ગત 5000 કરતાં વધુ રાજપૂત યુવાનો તલવાર બાજી કરીને શહીદો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી સામૂહિક તલવાર બાજીમાં ઍક નવો વિશ્વ રેકોર્ડ બનાવે એવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ના 17 જીલ્લાઓમાં રાજપૂત યુવાનો છેલ્લા એક મહિનાથી તલવાર બાજીની સઘન તાલીમ લઇ રહ્યા છે અને યુવાનોમાં તલવાર બાજીમાં નવો વિશ્ર્વ રેકોર્ડ બનાવવા માટે ભારે ઉત્સાહથી થનગની રહ્યા છે.
ભુચર મોરીના ઇતિહાસ પર નજર કરીએ તો ગુજરાતના છેલ્લા બાદશાહ મુઝફ્ફર ત્રીજા ને જુનાગઢ દ્વારા આશરો અપાતાં અને જુનાગઢ દ્વારા જામ સતાજીની મદદ માટે પત્ર લખતાં, જામ શ્રી સતાજી એ 30,000 નું સૈન્ય મદદ માટે મોકલેલ હતું. જેના સેનાપતિઓ ભાણજી દલ અને જેસાજી વજીર હતા. વિક્રમ સંવત 1630 માં જુનાગઢ માં થયેલ આ પ્રથમ યુધ્ધ માં અકબર ના સૈન્ય ને જામ સતાજીના લશ્કર દ્વારા સજ્જડ પરાજય આપીને અકબરનો વિશાળ શસ્ત્રસરંજામ કબ્જે કરી લીધો હતો.(જે યુધ્ધ માં જુનાગઢ એ ભાગ લીધો ન હતો અને જૂનાગઢના દરવાજા બંધ કરી દીધા હતા) અકબર ના 3530 ધોડાઓ, 52 હાથી ઓ, પલખીઓ વિગેરે સરંજામ કબ્જે કરી લીધો હતો.
સજ્જડ હાર નો બદલો લેવા વિક્રમ સંવત 1640 માં અકબરના હુકમના અનુસંધાને અકબરના એક ઉમરાવ ખાન ખાના એ જામનગર તરફ કૂચ કરી. તમાચણ પાસે થયેલ મોટા યુધ્ધ માં અકબર ના સૈન્ય અને જામ સતાજી વચ્ચે યુધ્ધ થયું. જેમાં પણ અકબરના સુબા ખાન ખાનાને બહુ ખરાબ રીતે હરાવ્યો હતો, અને તેણે બચેલા સૈન્ય સાથે ભાગવું પડ્યું હતું.
હવે માત્ર જામ સતાજી જ બચાવી શકે છે, એમ માનીને મુઝફ્ફર શાહ ત્રીજો કુટુંબ કબીલા સાથે જામ સતાજી ના શરણે આવ્યો. આશરે આવેલા ની રક્ષા કરવી એ ક્ષત્રિય ધર્મ છે, એમ માનીને મુઝફ્ફરને સોંપવાના અકબરના પત્રના જવાબ માં જામ સતાજી સોંપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો.
જેથી ભૂચર મોરી ના મેદાન માં થયેલ સૌરાષ્ટ્ર નું સૌથી મોટું યુધ્ધ વિક્રમ સવંત 1648માં થયું હતું, જે યુધ્ધ નો અંત શિતળા સાતમના રોજ થયો હતો. અને તેમાં હજારો યોદ્ધાઓ એ શહીદી વહોરી હતી આ યુધ્ધ માં થયેલ ખુવારી પછી 8 મહિને અકબરે જામ સતાજી સાથે સમાધાન કરીને જામનગરનું રાજ્ય પાછું સોંપ્યું હતું.