જામ્યુકોએ મિલકત ધારકોને અંતિમ નોટિસ પાઠવ્યા બાદ તેમના વાંધા અને રજૂઆતો સાંભળ્યા : સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે કામગીરી :કમિશનર
જામનગરમાં ઇન્દીરા માર્ગ પર ફલાય ઓવર અને તેને સમાંતર સર્વિસ રોડના નિર્માણ માટે માર્ગની જરુરી પહોળાઇ મેળવવા માટે ટીપી કપાતની કાર્યવાહી જામ્યુકો દ્વારા શરુ કરવામાં આવી છે. સાત રસ્તા સર્કલથી માંડીને સુભાષ બ્રિજ સુધીના ઇન્દિરા માર્ગ પર કુલ 39 મિલકતોમાં કપાત કરવાની થાય છે. જે તમામ મિલકતધારકોને ગઇકાલે અંતિમ નોટિસ પાઠવી દેવામાં આવ્યા બાદ આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી છે.
ઇન્દિરા માર્ગ પર ફલાય ઓવર અને સર્વિસ રોડ માટે રસ્તાની પહોળાઇ ઓછામાં ઓછી 30 મીટર જરુરી હોય. જે જગ્યાએ રસ્તો 30 મીટર પહોળો નથી. ત્યાં આજુબાજુની મિલકતોની કપાત કરવાની થાય છે. જામ્યુકોએ આ માટે નક્કી કરેલી લાઇન દોરીમાં કુલ 39 મિલકતો આવી જાય છે. જેમને એકથી માંડીને પાંચ મીટર સુધીની કપાત કરવાની થાય છે. જામ્યુકો દ્વારા આ કપાતની કાર્યવાહીને અંતિમ ઓપ આપવા માટે તમામ 39 મિલકત ધારકોને ગઇકાલે કપાત માટેની અંતિમ નોટિસ પાઠવી દેવામાં આવી હતી. ત્યારબાદ આજે સવારે આ અંગે મિલકત ધારકોના વાંધાઓ સાંભળવા માટે જામ્યુકોની કચેરીમાં ફાયરના બિલ્ડીંગમાં કમિશનરના અધ્યક્ષસ્થાને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કપાતમાં જતી મિલકતોના માલિકો કે કબજેદારોએ કપાતને લઇને પોતાના વાંધાઓ રજૂ કર્યા હતાં. કેટલાંક લોકોએ આ કપાત સામે વિરોધ પણ દર્શાવ્યો હતો. તેમની હૈયાત મિલકત એકમાત્ર રોજી-રોટીનું સાધન હોય, તે છિનવાઇ જવાની દહેશત પણ દર્શાવી હતી. અસરગ્રસ્તોના વાંધા અને રજૂઆતો સાંભળ્યા બાદ કપાત અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે અને ટૂંકસમયમાં મિલકત કપાતની કાર્યવાહી શરુ કરવામાં આવશે.
ટીપી કપાત અંગે મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડીએ જણાવ્યું હતું કે, ફલાય ઓવર નિર્માણની કામગીરીને વેગ મળે અને સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે ટીપી કપાતની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જે ટૂંકસમયમાં પૂર્ણ કરવામાં આવશે. જામ્યુકો દ્વારા હાથ ધરવામાં આવેલી સુનાવણીને કમિશનર સાથે સીટી ઇજનેર શૈલેષ જોશી, ટીપી ડીપી અધિકારી મુકેશ ગોસાઇ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


