જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો નવો વેરિયેન્ટ ધીમે ધીમે પગપેસારો કરતો જાય છે. તેમાં પણ ખાસ કરીને જામનગરના શહેરી વિસ્તારમાં વકરેલા કોરોનાના પોઝિટિવ દર્દીઓને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન ડેન્ટલ હોસ્ટેલના 3 વિદ્યાર્થી સહિતના 7 વ્યકિતઓનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાંક સમયથી કોરોનાનો કહેર ફરી વળ્યો છે અને વિશ્ર્વની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાના દર્દીઓ દિવસેને દિવસે વધતા જાય છે. ગુજરાત અને દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના વેરીયેન્ટમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત નિપજયા છે. તેમાં પણ અમદાવાદમાં બે મહિલાઓના મોત નિપજયા હોવાનું જાણવા મળે છે. જામનગર શહેરમાં પણ કોરોના ધીમે ધીમે ફેલાઇ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને યુવાઓમાં કોરોના પોઝિટિવના કેસ વધતા જાય છે. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન જામનગર શહેરમાં ડેન્ટલ હોસ્ટેલના 21 વર્ષના બે વિદ્યાર્થી તથા 20 વર્ષની વિદ્યાર્થિની તેમજ ભીમવાસ વિસ્તારમાં 40 વર્ષના યુવાન, હિમતનગરમાં 29 વર્ષના યુવાન, જેલ રોડ પરની પ્રેમચંદ કોલોનીના 36 વર્ષના યુવાનને તથા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી 34 વર્ષની મહિલાના કોરોના પરિક્ષણ પોઝિટિવ આવ્યા હતા.
ગઇકાલે સાંજે વધુ સાત કેસ કોરોના પોઝિટિવ આવતા જામનગરમાં કુલ કોવિડ કેસની સંખ્યા 46 સુધી પહોંચી ગઇ છે. 11 વ્યકિતઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. 35 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.


