ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાવવાની ઘટના અવિરત બની રહી છે. રાજયના જુદાં-જુદાં શહેરોમાંથી સમયાંતરે નશીલા પદાર્થ મળી આવે છે. આજે ભરૂચના પાનોલી જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાંથી એસઓજીની ટીમે રેઇડ દરમ્યાન અંદાજે 80 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેતાં ત્રણ દિવસ દરમ્યાન આ કંપનીમાંથી 1383 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે.
સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાંથી નસીલા પદાર્થનું મોટું રેકેટ ઝડપાયું છે. આજે ભરૂચની એસઓજી ટીમે પાનોલી જીઆઇડીસી સ્થિત ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી રેઇડ દરમ્યાન 90 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 100 કરોડ જેટલી થાય છે. ભરૂચના દરોડા બાદ વડોદરાના સાવલીમાં આવેલી નેકટર કેમ કંપનીમાં એટીએસની ટીમે રેઇડ દરમ્યાન આશરે 1000 કરોડની કિંમતનું 200 કિલો એમડી ડ્રગ્સ ઝડપી લીધું છે. આ કંપનીના માલિક સુરતનો પીયુસ પટેલ હોવાનું જાણવા મળે છે.
આ પૂર્વ મુંબઇની એન્ટી નાર્કોટિકસ સેલ વર્લીના યુનીટે ભરૂચના પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી 13 ઓગસ્ટના રોજ રેઇડ દરમ્યાન 513 કિલો એમડી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી લીધો હતો અને મંગળવારે ભરૂચ એસઓજીની ટીમે આજ કંપનીમાંથી ફરીથી રેઇડ કરી 80 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. આમ છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન ગુજરાતમાંથી કુલ 803 કિલો એટલે કે પોણા ટનથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાવાની ઘટનાએ પોલીસને દોડતી કરી દીધી છે. હાલમાં રાજયમાં બનતું એમડી ડ્રગ્સ મુંબઇ અને ગોવા સુધી સપ્લાય થાય છે. તેમજ ગુજરાતના યુવા વર્ગમાં પણ ડ્રગ્સનું દુષણ સતત વધી રહ્યું છે.