ઉત્તરાયણના પર્વ દરમ્યાન જામનગર શહેર અને જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો હતો. જેમાં છેલ્લાં 48 કલાક દરમ્યાન શહેરમાં 226 અને ગ્રામ્ય વિસ્તારોમાં 60 મળી કુલ 286 કોરોના પોઝિટિવ દર્દીઓ નવા ઉમેરાયા હતાં. જયારે 122 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. ઉપરાંત દ્વારકા જિલ્લામાં 52 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 21 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. કોરોનાની ત્રીજી લહેરમાં જામનગર કલેકટર, ખંભાળિયાના ધારાસભ્ય, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ તથા મહિલા સામાજીક કાર્યકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.

ઉત્તરાયણ પર્વ ટાણે જ જામનગર શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. સાત મહિના બાદ જામનગર શહેરમાં છેલ્લા 48 કલાક દરમ્યાન ગુરૂવારે 147 અને શુક્રવારે 79 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જયારે 40 અને 31 બે દિવસ દરમ્યાન 71 દર્દીઓ સાજા થયા હતાં અને ગ્રામ્ય વિસ્તારમાં ગુરૂવારે 46 અને શુક્રવારે 14 પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા હતાં તથા 41 અને 10 મળી કુલ 51 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. આમ જામનગર જિલ્લામાં બે દિવસ દરમ્યાન કુલ 286 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે 122 દર્દીઓ સાજા થયા હતાં. જામનગર શહેરમાં પણ કોરોનાની ત્રીજી લહેરે ગતિ પકડી હોય તેમ રોજ નોંધાતા કેસમાં જબ્બર ઉછાળો નોંધાયો છે. ગુરૂવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, શહેરમાં 147 પોઝિટિવ કેસ નોંધાતા બીજી લહેરની યાદ તાજી થઈ છે. શહેરમાં છેલ્લે સાત મહિના અગાઉ 23 મે 2021 ના રોજ 102 કેસ નોંધાયા હતાં. ત્યારે કોરોનાની બીજી લહેરના વળતા પાણી થઈ રહ્યા છે. આજે સાત મહિના બાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસના આંકડાએ ફરી સદી પાર કરી છે. આ સાથે જ ત્રીજી લહેરે પીક તરફ પ્રયાણ શરૂ કર્યુ છે. છેલ્લાં એક સપ્તાહથી શહેરમાં સતત વધી રહેલા કોરોનાના આંકડા શહેરીજનો અને આરોગ્ય તંત્રની ચિંતા વધારી રહ્યા હતાં. ત્યાં કોરોના વિસ્ફોટે તંત્રને દોડતું કરી દીધું છે. લોકોમાં પણ ફરી ભયનું લખલખું વ્યાપી ગયું છે. જો કે, રાહતની વાત એ છે કે, બીજી લહેરની જેમ આ વખતે કોરોનાના ગંભીર લક્ષણો હજુ સુધી સામે આવ્યા નથી. તેમજ દર્દીને ઓકસીજનની સમસ્યા પણ ગંભીર બની છે. પરિણામે હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ઓછું રહ્યું છે.
તેમજ જામનગર જિલ્લા કલેકટર ડો.સૈરભ પારઘીને કોરોનાના લક્ષણ જણાતા તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી હોમ આઇસોલેશન થયા હતાં અને જામનગરના સંસ્કૃતિ ફાઉન્ડેશનના અધ્યક્ષ શેતલબેન શેઠનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમજ દેવભુમી દ્વારકા જિલ્લા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ અને જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ આઇસોલેશન થયા હતા. તેઓએ સંપર્કમાં આવેલા લોકોને કોરોના પરિક્ષણ કરવવા અપીલ કરી હતી.
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના આવી રીતે નવા કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન કોવિડના નવા 52 દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં ગુરુવારે દ્વારકા તાલુકાના 16, ભાણવડ તાલુકાના 9 અને ખંભાળિયા તાલુકાના 3 મળી કુલ 28 દર્દીઓ, જ્યારે ગઈકાલે શુક્રવારે ખંભાળિયા અને ભાણવડના 8-8, દ્વારકાના 5 અને કલ્યાણપુરમાં 3 નવા કેસ મળી, 24 દર્દીઓ એક દિવસમાં નોંધાયા છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ વધારી, ગુરુવારે 1543 અને શુક્રવારે 1282 કોવિડ ટેસ્ટ કરાયા હતા. આ વચ્ચે ગુરુવારે 10 અને ગઇકાલે શુક્રવારે 11 મળી કુલ 21 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.


