આખી દુનિયા વધુ એક વખત કોરોનાના મહાભરડામાં સપડાવા લાગી હોય તેમ નવા કેસોમાં ભયાનક વધારો થવા લાગ્યો છે. વિશ્વમાં આજે એક જ દિવસમાં કોરોનાના 21.50 લાખ કેસ નોંધાયા હતા અને 7190 લોકોનો ભોગ લેવાયો હતો. બ્રિટન, ફ્રાંસ, ઈટલી સહિતના રાષ્ટ્રોમાં દૈનિક કેસોનો નવો રેકોર્ડ સર્જાયો છે.
વર્લ્ડોમીટર વેબસાઈટના રીપોર્ટ પ્રમાણે વિશ્વમાં કોરોનાના દૈનિક કેસ 21,50,463 થયા હતા. આ સાથે કુલ આંકડો 29.55 કરોડે પહોંચ્યો છે. જયારે અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 54.74 લાખ થયો છે. સમગ્ર દુનિયામાં કોરોનાના સૌથી વધુ 5.67 લાખ કેસ અમેરિકામાં નોંધાયા હતા જયાં હવે હોસ્પીટલાઈઝેશન તથા મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે. 1847 લોકોના મોત નિપજયા હતા.
બ્રિટનમાં પ્રથમ વખત કોરોના કેસનો આંકડો બે લાખને વટાવી ગયો હતો. 24 કલાકમાં 2.18 લાખ કેસ નોંધાયા હતા. આટલા કેસ કોરોનાકાળ દરમ્યાન પ્રથમ વખત નોંધાયા છે. કોરોના મહામારી વધુ ગંભીર બનતી રહી હોય તેમ હોસ્પિટલાઈઝેશન વધવા લાગ્યુ છે. કોરોના દર્દીને સારવાર આપવા માટે માંચેસ્ટરની 17 હોસ્પીટલોએ નોન ઈમરજન્સી સર્જરી પર પ્રતિબંધ મુકી દીધો છે.