જામનગર શહેરમાં ગંભીર બનેલી રખડતા ઢોરની સમસ્યા હળવી કરવા માટે મહાપાલિકા દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત રખડતા ઢોરને પકડી અને ઘાસચારાનું વેચાણ કરતા વિક્રેતાઓ ઉપર તવાઈ બોલાવી પશુપાલકો સામે ફરિયાદ નોંધવા સહિતની કામગીરી અંતર્ગત 10 દિવસની ભારે જહેમત બાદ 150 જેટલા ઢોર પકડીને સોનલનગર ડબ્બામાં રાખ્યાં હતાં. જ્યાં શુક્રવારે મધ્યરાત્રિના સમયે ઢોર ડબ્બાની બેરીકેટીંગમાં તોડફોડ કરતા 15 શખ્સોએ ધોકા સાથે આવી સિકયોરિટીને ધમકી આપી 162 ઢોર બળજબરી પૂર્વક છોડાવી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
મળતી વિતગ મુજબ, જામનગર શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોરની સમસ્યા ઘણાં સમયથી વકરી રહી છે અને માથાના દુ:ખાવા સમાન બનેલી આ સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીએ ત્રણ અધિકારીઓના નેજા હેઠળ ચાર ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમની સાથે પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે. આ ટીમો દ્વારા શહેરમાં રખડતા ઢોરોને પકડી પાડી અને ઢોર માલિકો સામે વિધિવત ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે છે. રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ માટે મહાપાલિકાના તંત્ર દ્વારા ઘાસચારાનું વેચાણ કરતાં વિક્રેતાઓ સામે ફરિયાદ નોંધી તેમના ઘાસનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. છેલ્લાં થોડા સમયથી મહાનગરપાલિકાની ટીમો દ્વારા રાત-દિવસ કરેલી ભારે જહેમત બાદ 150 થી વધુ રખડતા ઢોરોને પકડીને સોનલનગરમાં આવેલા ઢોર ડબ્બામાં પકડીને પૂરી દીધા હતાં.
દરમિયાન માલધારીઓમાં વકરેલા રોષના કારણે શુક્રવારે મધ્યરાત્રિના સમયે જામનગર શહેરમાં પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા સોનલનગર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં રોહિત સરવૈયા, નાગરાજ મોરી, ઘેટો ભરવાડ, નવધણ રબારી અને અન્ય 11 સહિતના 15 જેટલા શખ્સોએ લાકડાના ધોકા સાથે ઘસી આવી આ ઢોરના ડબ્બામાં ગેરકાયદેસર પ્રવેશ કરી સિકયોરિટી વનરાજસિંહ બાબભા જાડેજાને ધમકાવી લાકડાના ધોકા દેખાડી ભયમાં મૂકી ઢોરના ડબ્બાની બેરીકેટીંગમાં તોડફોડ કરી 162 ઢોર બળજબરીપૂર્વક છોડાવી લઇ ગયા હતાં. આ બનાવમાં સિકયોરિટી દ્વારા સિટી સી ડીવીઝનમાં 15 શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરું રચી રાયોટીંગની ફરિયાદ નોંધી પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે આ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.