લાલપુર તાલુકાના અપીયા ગામમાં પોલીસે પાંચ શખસોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.30200 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ધ્રોલ તાલુકાના લતીપર ગામથી જશાપર જવાના માર્ગે દુકાન પાસે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.10,300 ની રોકડ તથા મોબાઇલ ફોન અને મોટરસાઈકલ સહિત કુલ રૂા.54,300 ના મુદ્દામાલ સાથે આંતરી લીધા હતાં. જામજોધપુરના કોટડાબાવીસી ગામમાં બાપાસીતારામના મંદિર પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.5050 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં અને એક શખ્સની શોધખોળ હાથ ધરી હતી. લાલપુર તાલુકામાં ધરારનગર હુશેની ચોકમાંથી રેઈડ દરમિયાન પોલીસે ત્રણ શખ્સોને રૂા.5390 ની રોકડ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુર તાલુકાના અપીયા ગામમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન જેઠા અરજણ ભારવડિયા, વસરામ પાલા પાથર, રામદે પીઠા કોટા, રણછોડ કાના મકવાણા, વશરામ માવજી સીતાપરા તથા જેસા દેવાયત વરૂને જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં. પોલીસે રૂા.30,200 ની રોકડ તથા ગંજીપના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજો દરોડો, ધ્રોલ તાલુકાના લતીપર ગામથી જશાપર જવાના રસ્તે આવેલ દુકાન પાસે સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા ભાવેશ નારણ અણદાણી, હસમુખ જીવા પીપરિયા, રમેશ લખમણ પીપરિયા, પિન્ટુ દિનેશ કોટડિયા તથા વલ્લભ જીવા પીપરિયા નામના પાંચ શખ્સોને રૂા.10,300 ની રોકડ અને રૂા.4000 ની કિંમતના 5 નંગ મોબાઇલ ફોન તથા રૂા.40,000 ની કિંમતની 3 મોટરસાઈકલ સહિત કુલ રૂા.54,300 ના મુદ્દામાલ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામના પાદરમાં આવેલ બાપા સીતારામના મંદિર પાસે ખુલ્લા પટ્ટમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન દામજી બાબુ ઘરસંડિયા, રસીક લાલજી ડેડાણિયા, પરષોતમ ઠાકરશી વેગળ નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા.5050 ની રોકડ કબ્જે કરી નાશી ગયેલ કનુ નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
ચોથો દરોડો, લાલપુર ગામના ધરારનગર હુશેની ચોક વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન માધવ સાજણ બગડા, હનિફ હુશેન નોતિયાર તથા યુસુબ આદમ ભટ્ટીને રૂા.5390 ની રોકડ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.