જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલી ટીપીએસ કોલોનીમાં એક સાથે ત્રણ ત્રણ મકાનોને તસ્કરોએ ટાર્ગેટ બનાવી 14 લાખ જેટલી માતબર રકમની માલમતાની ચોરી કરી ગયાના બનાવથી સીક્કા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો છે પોલીસે એફએસએલ અને ગુનાશોધક શ્ર્વાનની મદદથી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલી ટીપીએસ કોલોનીમાં બ્લોક નંબર 418 કવાર્ટર નંબર 6 માં રહેતાં અભિષેક પરેશભાઇ દવે નામના યુવાનના બંધ મકાનમાં તા.09 ના રોજ સાંજથી તા.10 ના સવાર સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કબાટમાંથી રૂા.91,106 ની કિંમતનો 14 ગ્રામ 170 મીલી વજનનો સોનાનો બુટી સહિતનો સેટ તથા રૂા.36,500 ની કિંમતની 10 ગ્રામ 140 મીલી વજનનું સોનાનું લેડીસ બ્રેસલેટ અને રૂા.8386 ની કિંમતનું 1 ગ્રામ 170 મીલી વજનનું સોનાનું પેન્ડલ અને રૂા.13904 ની કિંમતની 14 ગ્રામ 300 મીલી વજનની સોનાની વરી તથા બુટી અને રૂા.60000 ની કિંમતનો દોઢ તોલાનો સોનાનો સેટ તેમજ રૂા. 1,20,000 ની કિંમતની પોણા ત્રણ તોલાનું સોનાનું મંગલ સુત્ર તથા રૂા.60 હજારની કિંમતનું દોઢ તોલાનું સોનાનું બ્રેસલેટ તેમજ રૂા.1,20,000 ની કિંમતના ત્રણ તોલાના ત્રણ નંગ સોનાના ચેઈન અને રૂા.40000 ની કિંમતની સોનાની એક લેડીસ અને એક જેટન્સની બે વીંટી તથા રૂા.60000 ની કિંમતની દોઢ તોલાની ત્રણ જોડી સોનાની બુટી અને રૂા.40000 ની કિંમતની એક તોલા સોનાની બુટીની જોડી અને રૂા.40000 ની કિંમતના 1 તોલાના સોનાના દાણા અને કાનની ગોળવાળી જોડી તેમજ રૂા.15000 ની કિંમતના એક ચાંદીનો કંદોરો તથા બે નંગ નાના છોકરાના ચાંદીના કંદોરા તથા ચાંદીની ઝાંઝરી અને ચાંદીના સાંકળા તથા ચાંદીની ડબી મળી કુલ રૂા. 7,04,896 ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતાં.
તેમજ ચિંતનભાઈ પ્રેમજીભાઈ ગોહિલના મકાનમાં તસ્કરોએ દરવાજાના નકૂચા તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં રાખેલા રૂા.1,52,902 ની કિંમતના 27 ગ્રામ 410 મિલી વજનના લેડીસ પાટલા તથા રૂા.1535 ની કિંમતની બાળકની ચાંદીની લકકી તેમજ રૂા. 12000ની કિંમતના ત્રણ નંગ સોનાના ગ્રામના પેન્ડલ અને રૂા.40,000 ની કિંમતનો સોનાનો ચેઈન મળી કુલ રૂા.2,06,437 ની કિંમતના સોનાા-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતાં.
ત્યારબાદ વધુ એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં કરશનભાઈ એભાભાઈ મોઢવાડિયાના મકાનના દરવાજાનો નકૂચો તોડી કબાટમાંથી રૂા. 5,00,000 રોકડ રકમ ચોરી કરી ગયા હતાં તથા બ્લોક નંબર 418 અને કવાર્ટર નંબર 10 તથા 11 તેમજ બ્લોક નંબર 330 અને કવાર્ટર નંબર 04 માઁ તસ્કરોએ મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ મકાનોમાં કોઈ માલમતાની ચોરી થઈ ન હતી.
સીક્કા ગામમાં આવેલી ટીપીએસ કોલોનીમાં એક સાથે ચાર-ચાર મકાનોના તાળા તૂટતા ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે અને તસ્કરોએ એક પછી એક ત્રણ મકાનોમાંથી 9,09,333 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને 5 લાખની રોકડ રકમ મળી કુલ રૂા.14,09,333 ની માલમતા ચોરી કરી ગયા હતાં. બનાવની જાણ થતા પીએસઆઇ સી એમ કાંટેલિયા તથા સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો અને ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીના બનાવનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.