વિશ્વભરમાં કોરોનાના નવાવેરિયન્ટ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે. વધતા જતા કેસને જોતા દેશના ઘણા રાજ્યોમાં ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દેશભરમાં ઓમિક્રોનના કેસ 400ને વટાવી ગયા છે. તેને જોતા 25 ડિસેમ્બરથી નવા વર્ષ સુધી સરકારોએ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. અને અનેક રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, ગુજરાતમાં પણ ઓમીક્રોનના નવા 13 કેસ નોંધાતા કુલ આંક 43 થયો છે.
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ઓમીક્રોન વેરિયન્ટના નવા 13 કેસ નોંધાતા કુલ આંક 43 થયો છે. જે પૈકી 5 દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે. રાજ્યમાં સૌથી વધુ વડોદરામાં 17 કેસ, અમદાવાદમાં 9, આણંદમાં 4, જામનગરમાં 3, મહેસાણામાં 3, ખેડામાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, રાજકોટમાં 1 કેસ નોંધાયો છે. તો શાળાઓમાં પણ 43 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. જેને ધ્યાનમાં લઇને ગુજરાતના 8 મહાનગરોમાં આજથી રાત્રી કર્ફ્યુંનો સમય પણ વધારવામાં આવ્યો છે. હવેથી રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું અમલમાં રહેશે.
દેશના 17 રાજ્યોમાં ઓમીક્રોન ફેલાયો છે. અત્યાર સુધી દેશમાં ઓમીક્રોન વેરિયન્ટના 415 કેસ નોંધાયા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 108, દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, તેલંગાણામાં 38, કેરળમાં 37, તમિલનાડુમાં 34, કર્નાટકમાં 31 કેસ નોંધાયા છે. WHO દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓમીક્રોનનો સંક્રમણ દર હાલ 6.1% છે. સંશોધકો દ્વારા કરવામાં આવેલ રીસર્ચ મુજબ ભારતમાં ફેબ્રુઆરી 2022થી કોરોનાના દૈનિક કેસ પીક પર હશે. પહેલી બે લહેરના આધારે અનુમાન લગાવવામાં આવ્યું છે કે દૈનિક દોઢ લાખ જેટલા કેસ નોંધાઈ શકે છે.