દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ બેડામાં અગાઉ સામૂહિક બદલીના અવારનવાર ઓર્ડરો થયા છે. જ્યારે સંવતઃ જિલ્લામાં લાંબા સમય બાદ પ્રથમ વખત જિલ્લાના જુદાજુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના સામૂહિક પ્રમોશનના ઓર્ડરો જિલ્લા પોલીસ વડાએ કર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી કડક કાયદાકીય કાર્યવાહી માટે જિલ્લા તથા પોલીસ બેડમાં જાણીતા છે. સાથે સાથે સરળ વ્યક્તિત્વ અને માનવતાની પણ અનેક બાબતો સામે આવી છે. આ વચ્ચે જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કર્મીઓ સાથે પણ યોગ્ય ન્યાય તથા પ્રોત્સાહન સ્વરૂપે સામૂહિક અને નોંધપાત્ર સંખ્યામાં બઢતીના ઓર્ડરો જારી કર્યા છે.
પોલીસ અધિક્ષક દ્વારા ગુરુવારે કરવામાં આવેલા સામૂહિક પ્રમોશનના ઓર્ડરમાં જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સહિતના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 22 અનાર્મડ હેડ કોન્સ્ટેબલને અનાર્મડ હેડ કોસ્ટેબલ, 13 આર્મડ હેડ કોન્સ્ટેબલને આર્મડ એ.એસ.આઇ., 38 અનાર્મડ પોલીસ કોન્સ્ટેબલને અનાર્મડ પોલીસ હેડ કોન્સ્ટેબલ, તથા 30 આર્મડ પોલીસ કોન્સ્ટેબલને આર્મડ હેડ કોસ્ટેબલના પ્રમોશન આપવામાં આવ્યા છે. બદલી પામેલા આ પોલીસ કર્મીઓ સ્થાનિક પોલીસ મથકમાં જ સેવાઓ આપશે.
હાલ કોરોના મહામારીમાં જિલ્લા પોલીસ વડા દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી અને પોલીસ સ્ટાફ કામગીરી પ્રત્યે કાર્યદક્ષતા વધુ સુદ્રઢ બને તે માટે પ્રમોશન આપી, આ 103 પોલીસ કર્મીઓને બિરદાવવામાં આવ્યા છે.