એટીએમમાં નાની-નાની નોટની ડિમાન્ડ ઘણી વધુ હોય છે. સામાન્ય રીતે લોકો માટે નાની નોટથી લેવડ-દેવડ સરળ હોય છે પછી તેમાં રિક્ષાભાડું ચૂકવવાનું હોય કે પછી કોઈ બાળકને પૈસા આપવા હોય. આવામાં એટીએમમાંથી નાની નોટ ન નીકળવાને કારણે લોકોને મોટી નોટના છૂટા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જો કે હવે આ મુશ્કેલીનો અંત આવશે અને એટીએમમાંથી જ નાના દરની નોટો નીકળશે. સરકારે આ માટે બેન્કોને ખાસ આદેશ આપ્યો છે.
સરકારે નકલી નોટ પર રોક લગાવવા માટે મહત્ત્વનાં પગલાં ઉઠાવ્યા છે. આ માટે સરકારે નાની નોટોને એટીએમમાં સામેલ કરવા માટે નિર્દેશ આપ્યો છે એટલા માટે હવે સરળતાથી 100-200ની નોટ એટીએમમાંથી જ મળી રહેશે. બીજી બાજુ નકલી નોટ વિરુદ્ધ પણ સરકાર અનેક સ્તરે કાર્યવાહી કરી રહી છે.દેશમાં નોટબંધી બાદ અત્યાર સુધી માત્ર 84 કરોડ રૂપિયાની નકલી નોટો જ પકડાઈ છે. પીએમએલએ હેઠળ આઠ કેસ ચલાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે લેખિત જવાબમાં કહ્યું છે કે નકલી નોટો પર રોક લગાવવા માટે એનઆઈએ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. આતંકી સંગઠનો દ્વારા નકલી પૈસા મોકલાઈ રહ્યાની વાત સામે આવતાં તે દિશામાં પણ કાર્યવાહી ચાલી રહી છે. મંત્રાલયે સાફ કહ્યું છે કે 2015માં આરબીઆઈએ મહાત્મા ગાંધી શ્રેણી-2005 જારી કરાયેલી તમામ નોટમાં એક નવી નંબરિંગ પેટર્ન અને ફોટો લગાવી છે જેનાથી સરળતાથી લોકો અસલી અને નકલી નોટને ઓળખી શકશે. સામાન્ય લોકો માટે આ અંગેની જાણકારી વઆરબીઆઈની વેબસાઈટ ઉપર આપવામાં આવી છે જેના ઉપરથી પણ માહિતી મેળવી શકાશે. આરબીઆઈએ મોટી નોટ ઉપરાંત 100 અને તેનાથી વધુ કિંમતની નોટને પોતાના કાઉન્ટ ઉપર અથવા એટીએથી જારી કરવા માટે કહ્યું છે. તપાસ માટે તમામ બેન્કમાં મશીન પણ મુકવામાં આવ્યા છે.