જામનગર શહેરના ગોકુલનગરમાં રિસામણે રહેલી યુવતી બાબતે વાતચીત કરવા આવેલા સાઢુભાઇ અને તેના બે પુત્રોએ યુવાન ઉપર બોલાચાલી બાદ છરી અને પાઇપના આડેધડ ઘા ઝિંકી ધોળે દિવસે નિર્મમ હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
View this post on Instagram
હત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર, પાણાખાણ શેરી નંબર પાંચમાં રહેતાં રોહિત ગીલાભાઇ પરમાર (ઉ.વ.32) નામના યુવાનની પત્ની તેજલ તેણીના માવતર મેટોડા રિસામણે જતી રહી હતી. આ બાબતે માથાકૂટ ચાલતી હતી. દરમ્યાન રવિવારે બપોરના સમયે રોહિત પાણાખાણ વિસ્તારમાં ઉભો હતો. ત્યારે રોહિતના સાઢુભાઇ નરેશ તુલસી પરમાર તથા તેના બે પુત્રો સુજલ તથા વિમલ નામના ત્રણેય શખ્સો રોહિત પાસે આવ્યા હતા. પિતા તથા બે પુત્રોએ રોહિત સાથે તેજલને માવતરેથી તેડી લાવવા માટે વાતચીત દરમ્યાન ઉશ્કેરાયેલા પિતા અને બે પુત્રોએ રોહિત ઉપર છરી અને પાઇપના આડેધડ ઘા ઝિંકી સરાજાહેર જીવલેણ હુમલો કરતાં રોહિત લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. ત્યારબાદ ત્રણેય હુમલાખોરો પલાયન થઇ ગયા હતા.
બાદમાં ઘવાયેલા રોહિતને લોહીલુહાણ હાલતમાં જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવની જાણ થતાં પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફ હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હુમલામાં યુવાનનું મોત નિપજતાં હત્યામાં પલ્ટાયેલા બનાવ અંગે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પિતા ગીલાભાઇ વીરાભાઇ પરમારના નિવેદનના આધારે નરેશ તુલસી પરમાર, તેના પુત્રો સુજલ નરેશ પરમાર, વિમલ નરેશ પરમાર નામના ત્રણ શખ્સો વિરૂઘ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


