જામનગર નજીક સાંઢીયા પુલથી કનસુમરા પાટીયા તરફના રેલવે ટ્રેક પર શુક્રવારે બપોરના સમયે મજૂરી કામ કરતા યુવાનનું ટ્રેન સાથે અથડાઇ જતાં મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં નર્સિંગ સ્ટાફ સંકૂલમાં રહેતાં યુવાનના ઘરે આવેલા વૃદ્ધનું બીમારીથી તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના શંકરટેકરી ગાંધીનગર વિસ્તારમાં રહેતાં અને મજૂરીકામ કરતા રમેશ પ્રેમજીભાઈ જાદવ (ઉ.વ.33) નામનો યુવાન થોડા સમય થી માનસિક રોગની બીમારીથી પિડાતો હતો અને આ બીમારીથી કંટાળીને શુક્રવારે બપોરના સમયે સાંઢીયા પુલથી કનસુમરા પાટીયા તરફ જતા રેલવે ટ્રેક પર પસાર થતી ટ્રેન સાથે અથડાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નાનજીભાઈ જાદવના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના પટેલકોલોની શેરી નં.9 માં રહેતા ચંદુલાલ નાગજીભાઈ કાનાણી (ઉ.વ.69) નામના વૃધ્ધ શુક્રવારે સાંજના સમયે સીટી પોલીસ લાઇન સામે આવેલા નર્સિંગ સ્ટાફ કવાર્ટરમાં રહેતાં ઉર્વેશ હસમુખભાઈ ભુવા નામના યુવાનના ઘરે ગયા હતાં. તે દરમિયાન ચંદુલાલની તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં છ માસથી થયેલા ફેફસાંને કારણે તબિયત લથડતા સારવાર કારગત નિવડી ન હતી. જેથી વૃદ્ધનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ઉર્વેશભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.