જામનગર નજીક લાલપુર ચોકડી પાસે ગોલાઇમાંથી પસાર થતી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઈ જવાથી અકસ્માતમાં ચાલકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી વિસ્તારમાં રહેતાં ટેકસીંગ પ્રેમસીંગ થાપા અને તેના મિત્રો સાથે સોમવારે વહેલી સવારના સમયે કિલેશ્ર્વર જતા હતાં ત્યારે જીજે-10-સીજી-8829 નંબરની કારના ચાલક મુકેશભાઈ કરશનભાઈ ઓડેદરા નામના યુવાન કાર લાલપુર ચોકડીથી આગળ પહોંચી ત્યારે ગોલાઇ પર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ચાલક મુકેશને શરીરમાં અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી તેમજ અન્ય યુવાનોને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મુકેશ ઓડેદરાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ટેકસીંગ દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.