જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતો અને કેટરસનું કામ કરતો તરૂણ શુક્રવારે સાંજના સમયે રણજીતનગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજમાં કેટરીંગનો સામાન ચડાવતો હતો તે દરમિયાન ખુલ્લી લીફટમાં અકસ્માતે ફસાઈ જતાં ગંભીર ઈજા પહોંચવાથી મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડીમાં જામા મસ્જિદની બાજુમાં રહેતો અને અભ્યાસ કરતો તૌસિફ અહેમદ મકવાણા (ઉ.વ.13) નામનો વિદ્યાર્થી શુક્રવારે સાંજના સમયે કેટરસમાં કામ કરતો હતો. તે દરમિયાન રણજીતનગર વિસ્તારમાં આવેલી પટેલ સમાજની વાડીમાં પ્રસંગ દરમિયાન સામાન ચઢાવવાની ખુલ્લી લીફટમાં સામાન લઇને જતો હતો ત્યારે અકસ્માતે લીફટમાં ફસાઈ જતાં માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. તરૂણ લીફટમાં ફસાયાની જાણ થતા જ હાજર રહેલા લોકો સ્થળ પર દોડી આવ્યા હતાં અને ફાયર બ્રિગેડ તથા 108 ને જાણ કરી હતી. તેમજ ફાયરની ટીમ અને 108 બંને એ સ્થળ પર પહોંચી જઇ તરૂણને બહાર કાઢવામાં આવ્ય્યો હતો. 108 ની ટીમે તરૂણને તપાસતા મૃત જાહેર કરાયો હતો. આ અંગેની અબ્બાસ હુશેન મકવાણા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એલ.બી. જાડેજા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી તરૂણના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.