જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા નારાયણનગર બ્લોક નં.103 માં રહેતો યુવાન મોહનનગર પાસે આવેલા આવાસમાં ચોથા માળે રહેતાં મકાનમાંથી કોઇ કારણસર નીચે પટકાતા હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા નારાયણનગર બ્લોક નં.103 માં રહેતા ચંદ્રેશભાઈ લાલજીભાઈ ઇડરીયા (ઉ.વ.32) નામનો યુવાન બુધવારે બપોરના અરસામાં મોહનનગર આવાસમાં ચોથા માળે રહેતા વિજયભાઈ અને જોશનાબેનના મકાનમાંથી કોઇ કારણસર નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસીઆઈ વી.આર.ગામેતી અને સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કયા કારણસર બનાવ બન્યો તે અંગેની જીણવટભરી તપાસ આરંભી હતી.